Main Menu

અમરેલી ખાતે જિલ્‍લા ચૂંટણી અધિકારી સંજય અમરાણીના અધ્યક્ષસ્‍થાને પત્રકાર પરિષદ

૧,૪૧૫ મતદાન મથકો પર અમરેલી જિલ્‍લાના ૧૧,૭૩,૩૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

કલેક્ટર-વ- જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સંજય અમરાણીના અધ્‍યક્ષસ્થાને
વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે
જિલ્‍લા કલેક્ટર કચેરી-અમરેલી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સંજય અમરાણીએ જણાવ્‍યું હતુ કે, ચૂંટણી
જાહેર થતા તા.૨૫ ઓકટોબર-૨૦૧૭થી જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે.
આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તેમાં ઇલેકટ્રોનિક
તથા પ્રિન્ટ મીડિયાની પણ અગત્‍યની ભૂમિકા છે. ચૂંટણીલક્ષી સવિસ્‍તાર વિગતો આપતા
જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી અમરાણીએ મોડેલ કોડ ઓફ કન્‍ડક્ટના ભાગરૂપે કોલ
સેન્‍ટરમાં કાર્યરત ટોલ ફ્રી નંબર પર ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ (૦૨૭૯૨) ૨૩૦૬૦૭
પર નોંધાવી શકાશે, આ ઉપરાંત ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૭૨ મતદાર સંબંધી
હેલ્‍પલાઇન સતત કાર્યરત રહેશે તેમ જણાવ્‍યું હતુ.
અમરેલી જિલ્‍લામાં ધારી વિધાનસભા વિસ્‍તારમાં ૨૭૪, અમરેલી વિધાનસભા
વિસ્‍તારમાં ૩૦૪, લાઠી વિધાનસભા વિસ્‍તારમાં ૨૪૦, સાવરકુંડલા વિધાનસભા
વિસ્‍તારમાં ૨૯૫ અને રાજુલા વિધાનસભા વિસ્‍તારમાં ૩૦૨ એમ જિલ્‍લામાં કુલ ૧,૪૧૫
મતદાન મથકો ઉભા કરવામાં આવશે. ૬,૦૮,૫૫૮ પુરૂષ, ૫,૬૪,૮૧૩ સ્‍ત્રી તેમજ ૧૩ ત્રીજી
જાતિના એમ જિલ્‍લાના કુલ ૧૧,૭૩,૩૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.૯
ડિસેમ્‍બર-૨૦૧૭ને શનિવારના રોજ કરી શકશે.
જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી અમરાણીએ વધુમાં જણાવ્‍યું હતુ કે, આચારસંહિતાના
અમલ દરમિયાન કર્મચારીઓની બદલી-બઢતી પર પ્રતિબંધ રહેશે. રાજકીય
પદાધિકારીશ્રીઓ તેમના ઓફિશ્યિલ નિવાસ સ્‍થાન અને કચેરી સિવાયના સ્‍થળો પર
સરકારી વાહન કે સરકારી ડાક બંગલા અને વિશ્રામગૃહનો ઉપયોગ કરી શકશે નહિ. રાજકીય
પક્ષો દ્વારા સમારંભો, જાહેર મેળાવડાઓ યોજી શકાશે નહિ ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ જાહેર થતાં
ગુજરાતમાં બે તબક્કામાં થનાર ચૂંટણીપ્રક્રિયાની વિગતો મુજબ અમરેલી જિલ્‍લામાં ચૂંટણી
અંગેનું જાહેરનામુ તા.૧૪ નવેમ્‍બર-૨૦૧૭ (મંગળવાર), ઉમેદવારીપત્રકો ભરવાની છેલ્‍લી
તા.૨૧ નવેમ્‍બર-૨૦૧૭ (મંગળવાર), ઉમેદવારીપત્રકોની ચકાસણીની તા.૨૨ નવેમ્‍બર-
૨૦૧૭ (બુધવાર), ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્‍લી તા.૨૪ નવેમ્‍બર-૨૦૧૭
(શુક્રવાર) રહેશે. તા.૯ ડિસેમ્‍બર-૨૦૧૭ને શનિવારના રોજ મતદાન અને તા.૧૮ ડિસેમ્‍બર-
૨૦૧૭ (સોમવાર)ના રોજ મતગણતરી થશે. ચૂંટણીપ્રક્રિયા તા.૨૦ ડિસેમ્‍બર-૨૦૧૭
(બુધવાર)ના રોજ પૂર્ણ થશે.
જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા
ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ
નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટિમાં જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી યોગેશ
નિરગુડે, નોડલ અધિકારી તરીકે સંબંધિત અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.
ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો ફોન નં. (૦૨૭૯૨) ૨૩૦૬૨૬, ૨૩૦૬૨૭, ૨૩૦૬૧૭ પર
ફરિયાદો નોંધાવી શકાશે.
ફેસબુક પર DYDEO AMRELI તેમજ ટવીટર પર @electionamreli છે. તેમજ
કોઇપણ પ્રકારના પત્રવ્‍યવહાર માટે ઇ-મેઇલ આઇડી dydeoamr@gmail.com નો ઉપયોગ
કરી શકાશે.
આચારસંહિતા સંબંધી સતત મોનિટરીંગ અને ચૂસ્‍ત અમલવારી માટે ૧૯ ચેકપોસ્‍ટ
નક્કી કરવામાં આવી છે. આચારસંહિતાના અમલ દરમિયાન રૂ.૫૦ હજારથી વધુ રોકડ રકમ
સાથે લઇ જઇ શકાશે નહિ. સ્‍ટાર કેમ્‍પેઇનર પાસે રૂ.૧ લાખ કરતા વધુ રોકડ રકમ હશે તો
સીઝ કરવામાં આવશે. વિડીયો સર્વેલન્‍સ-વ્‍યૂઇંગ, ફ્લાઇંગ સ્‍કવોડ, સ્ટેટિક સર્વેલન્‍સ,
એકાઉન્‍ટીંગની કુલ ૪૯ ટીમ કામગીરી કરશે. આ ઉપરાંત લીકર મોનિટરીંગ ટીમની રચના
કરવામાં આવી છે.
ખર્ચ મોનિટરિંગ માટે આવકવેરાના ૬ અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.
આ ઉપરાંત ૧૪૮ ઝોનલ ઓફિસર તેમજ મહિલા પોલીંગ-પટ્ટાવાળા સહિત કુલ ૮,૪૩૯
કર્મચારીશ્રીઓ મતદાન મથક પર ફરજ બજાવશે.
ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઇ
શકે તે માટે સિંગલ વિન્‍ડો સીસ્‍ટમ શરૂ કરવામાં આવી છે. તા.૧૮ ડિસેમ્‍બર-૨૦૧૭ના રોજ
પ્રતાપરાય આર્ટ્સ અને સાયન્‍સ કોલેજ-અમરેલી ખાતે મતગણતરી કરવામાં આવશે.
જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સંજય અમરાણીએ ચૂંટણી નિષ્પક્ષ, ન્‍યાયી, શાંતિપૂર્ણ
અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને અમરેલી જિલ્‍લામાં મોડલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે
માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.પત્રકાર પરિષદમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.એમ. ભટ્ટ, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલ, નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ. બસીયા, ચૂંટણી અને માહિતી
ખાતાના સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો
ઉપસ્‍થિત રહ્યા હતા.