Main Menu

સુરત: સવારથી વાતાવરણ ઘેરાયેલું રહેતા લોકો મુંઝાયા

દરિયામાં સ્થિર થયેલા વાવાઝોડા ઓખીની અસર ગઈકાલ બપોર બાદ સુરતના વાતાવરણ પણ જોવા મળી રહી છે. આજે સવારથી જ વાદળછાયું વરસાદી વાતાવરણ જોઈને લોકોમાં મુંઝવણ વધી ગઈ છે.   ગઈકાલ સુધી જ્યાં ભાજપ કોંગ્રેસની વાત ચાલતી હતી ત્યાં આજે માત્ર વાવાઝોડાની જ વાત ચાલી રહી છે. વાતાવરણમાં ઠંડી અને વરસાદ હોવાથી લોકો શોશ્યલ મિડિયામાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ તે માટે કન્ફ્યુઝ હોવાની રમુજ પણ કરી રહ્યાં  છે.   સુરતમાં વાવાઝોડાની અસર ગઈકાલે જ વર્તવાનું શરૃ થઈ ગઈ હતી ગઈકાલે બપોર બાદ વાતાવરણ હિલ સ્ટેશન જેવું ઠંડુ થઈ ગયું હતું જ્યારે બપોર બાદ ઝરમર ઝરમર વરસાદ પણ વરસ્યો હતો.    ગઈકાલ સુધી સુરતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હોવાથી ૧૮ ડિસેમ્બરે ભાજપનું વાવાઝોડું આવશે કે કોગ્રેસનું તે અંગેની ચર્ચા થઈ રહી હતી. પરંતુ આ ચર્ચા બે દિવસથી બાજુએ મુકાઈ ગઈ છે અને ઓખીનું વાવાઝોડું કેવી અને કેટલી અસર કરે તે માટેની ચર્ચા થઈ રહી છે.    આવા વાતાવરણમાં પણ લોકો શોશ્યલ મિડિયા પર મજાક કરવાનું ચુકતા નથી. લોકો જાત જાતના મેસેજ કરે છે. તેમાં કહે છે મત ભાજપને આપવો કે કોગ્રસને તે અંગેનું કન્ફ્યુઝન દુર થાય તે પહેલાં વાતાવરણના કારણે સ્વેટર પહેરવું કે રેઈન કોટ તે અંગેનું કન્ફ્યુઝન આવી ગયું છે. જોકે, દિવસ દરમિયાન અચાનક બદલાયેલા વાતાવરણથી અનેક લોકો અકળાયા છે.   જ્યારે વાવાઝોડાની આગાહીના પગલે કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેની સાવચેતીના ભાગરૂપે તંત્રએ જીલ્લાની શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે અને જે શાળાઓ સવારની હતી તેને પણ ચાર વાગ્યા સુધીમાં રજા આપી દેવાનો જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયો છે.