Main Menu

ભાવનગરમાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ

ચક્રવાત ઓખીની આફત ટળી ગઈ છે. તેમ છતાં ઓખી વાવાઝોડાની અસરના કારણે ભાવનગરમાં બે દિવસથી ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો. ત્રણેક દિવસથી કાળા ડિબાંગ વાદળોએ આકાશમાં સામ્રાજ્ય જમાવતાં સૂર્યનારાયણ અદ્શ્ય બન્યા છે ત્યારે ગોહિલવાડમા હવામાન બદલાતા દિવસે પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વાવાઝોડાનું જોખમ ટળ્યા પછી પણ પવનની ઝડપ ૧૬ કિ.મી.પ્રતિકલાક રહેતા દિવસે કાતીલ ઠંડી પડી રહી છે. ગાત્રો થીજાવતી ઠંડીના પગલે લોકોએ ફરજિયાત ગરમવસ્ત્રો ધારણ કરવા પડયા હતા.

૧૬ કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત ઠંડા પવન ફૂંકાતા લોકો ઠુઠવાયા હતા. સૂર્યનારાયણના દર્શન દુર્લભ બનતા મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે માત્ર ર.ર ડિગ્રીનો તફાવત રહ્યો હતો. આજે બુધવારે મહત્તમ પારો ૧૯.૯ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૭.૭ ડિગ્રી સેલ્સીયસ, ભેજનુ પ્રમાણ ૮૧ ટકા અને પવનની ઝડપ ૧૬ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. શહેર જિલ્લામાં બે દિવસના ઝરમર વરસાદના પગલે કાદવ, કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયુ છે. ટાઢાબોળ પવનના કારણે શરીરના સ્વસ્થ્ય પર અસર થઈ રહી છે. તો કિચડના પગલે માખી, મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે.

સિઝનમાં પ્રથમ વખત મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની નીચે

ચક્રવાત ઓખીની અસરને કારણે છેલ્લા બે દિવસથી ગોહિલવાડ જાણે કાશ્મિર બની ગયું હોય તેમ ૨૪ કલાક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ હોય કે સાંજે કે પછી રાત એસી-પંખા તો ઠીક લોકો ઘરની બારી-બારણાં પણ ખોલી નથી શકતા તેવી હાડપીંજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે બુધવારે બપોરબાદ પવનની ગતિ હતી. તેમ છતાં આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવને કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. ઠંડીને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને રેકોર્ડબ્રેક કહીં શકાય તેમ શિયાળાની મૌસમમાં પ્રથમ મહત્તમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રીની નીચે પહોંચી ગયો હતો. કાતિલ ઠંડીને કારણે મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન માત્ર ર.ર ડિગ્રીનો જ ફેર રહ્યો હતો. આજે બુધવારે ભાવનગરનું મહત્તમ તાપમાન ૧૯.૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૧૭.૭ ડિગ્રી નોંધાયું હતું.