Main Menu

શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપમાંથી અડધા લાખની મત્તા ચોરાઈ

ભાવનગર એસ.ટી.વિભાગના તાબાના ચિત્રા વર્કશોપમાં આવેલાં સ્ક્રેપ યાર્ડમાંથી અજાણ્યા શખસો તાંબા-પીત્તળની કોયલ, કેબલ મળી અડધા લાખના માલસામાનની તસ્કરી કરીને પલાયન થઈ ગયાની ફરિયાદ સ્થાનિક બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર એસ.ટી.વિભાગના ચિત્રા રોડ પર આવેલ મુખ્ય યંત્રાલય (વર્કશોપ)ના સ્ક્રેપ યાર્ડમાંથી ગત તા.૧૭/૧૦/ર૦૧૭ થી ર૪/૧૧/ર૦૧૭ દરમિયાન કોઈપણ સમયે ખાતર પાડી અજાણ્યા શખસોએ રૃા.પ૮,૦૦૦ની કિંમતના તાંબા-પીત્તળની કોયલ, કેબલ વાયર સહિતના મુદ્દામાલનો હાથફેરો કરીને નાસી છૂટયાં હતા.

આ અંગે વર્કશોપમાં ફરજ બજાવતાં કર્મચારી આશીષગિરિ હરેશગિરિ ગોસ્વામીએ સ્થાનિક ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ મહેશ્વરી ચલાવી રહ્યાં છે.

ચિત્રા વર્કશોપમાં સીસીટીવી કેમેરા નથી : ડીએમઈ જગ

ભાવનગર એસ.ટી.ડિવિઝનના તાબાના ચિત્રા ખાતેના મેઈન વર્કશોપના ભંગારવાડા-સ્ક્રેપ યાર્ડમાંથી અડધા લાખનો માલ સામાન ચોરાઈ ગયો છે. જો કે, આ વર્કશોપમાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા નથી. અગાઉના વર્કશોપ અધિકારીઓ દ્વારા કેમેરા લગાડવા માટે વિભાગીય નિયામકને દરખાસ્ત કરી હોવાનું મુખ્ય યંત્રાલયના ડીએમઈ ઘનશ્યામભાઈ જગએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ.