Main Menu

ભાવનગરમાં વૃધ્ધાને ધક્કો મારી પછાડી દઈ સોનાની ચેનની લૂંટ

ભાવનગર શહેરના તળાજા રોડ પરના મકાનમાં ગઈકાલે સાંજના સુમારે અજાણ્યા શખસે વૃધ્ધાને ધક્કો મારી પછાડી દઈ તેમના ગળામાં પહેરેલાં સોનાની ચેનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયાની ફરિયાદ અત્રેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભોગગ્રસ્ત વૃધ્ધાના પુત્રએ નોંધાવી હતી.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર શહેરના તળાજા રોડ ઉપર એચ.કે.દવેના બંગલા પાસેના પ્લોટ નં.રર૬૧ માં રહેતાં સિંધી મુકેશભાઈ નારણદાસ દરિયાણી (ઉ.વ.૪૧) એ અત્રેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરિયાદી તેની દાણાપીઠમાં આવેલ દુકાને ગયા હતા. જ્યારે સાંજના સુમારે ફરિયાદીના પત્ની કોઈ કામ માટે બહાર ગયા હતા, જ્યારે પુત્ર નજીકમાં રમવા ગયો હતો. ત્યારે ફરિયાદીના વૃધ્ધ માતા ગોપીબેન (ઉ.વ.૬ર) ઘરમાં એકલાં હતા, ત્યારે તેમની એકલતાનો લાભ લઈ એક પાતળા બાંધાના આશરે પચ્ચીસ વર્ષની વયના શખસે ઘરે આવી ફરિયાદીના માતાના મોંઢા ઉપર રૃમાલ આડો રાખી ધક્કો મારી પછાડી દઈ તેણીના ગળામાંથી એક તોલા વજનની સોનાની ચેનની લૂંટ ચલાવી પોબારા ભણી ગયો હતો. લૂંટના બનાવની જાણ થતાં સ્થાનિક નીલમબાગ પોલીસ સ્ટાફ, એલસીબી પીઆઈ ડી.એમ.મિશ્રા, એસઓજી સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે ધસી ગયો હતો. આ અંગે પોલીસે અજાણ્યા શખસ વિરૃધ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.