Main Menu

ગારિયાધાર પાલિકા માટે ભાજપના ૧૪૨ કાર્યકર્તા ચૂંટણી લડવા ઉત્સુક

ગારિયાધાર નગરપાલિકાની આગામી ચૂંટણીઓની તડામાર તૈયારીના ભાજપા દ્વારા કાર્યકરોના સેન્સ લઇને શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેમાં ૭ વોર્ડ માટે ૨૮ ઉમેદવારો માટે ભાજપના ૧૪૨ કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી કરવામાં આવી હતી.

ગારિયાધાર લોહાણા મહાજન વાડી ખાતે આગામી ન.પા.ની ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારોનો ભાજપ દ્વારા સેન્સ લેવાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, જીલ્લા મહામંત્રી ઉમેશભાઇ મકવાણા, મહિલા મોર્ચાના જિલ્લા ઉપાધ્યક્ષ ગાયત્રીબા જાડેજા અને માજી જિલ્લા અધ્યક્ષ હંસાબેન કુંભાણીએ હાજર રહી સેન્સ લીધા હતા.

આ સેન્સમાં ૭ વોર્ડ માટે ભાજપના ૧૪૨ કાર્યકરો દ્વારા ચૂંટણી લડવા માટે પોતાની ઇચ્છા દર્શાવવામાં આવી હતી. આ સેન્સમાં તમામ જ્ઞાાતિના આગેવાનો દ્વારા પોતાના સમાજના રાજકીય કદ વધારવા માટે સમાજના ઇચ્છુક કાર્યકર્તાને સહકાર આપવા માટે સાથે જોવા મળ્યા હતા. જ્યારે ભાજપ સેન્સની યાદી પ્રમાણે વોર્ડ નં.૧માં ૧૬, વોર્ડ નં.૨માં ૨૫, વોર્ડ નં.૩માં ૨૨, વોર્ડ નં.૪માં ૧૯, વોર્ડ નં.૫માં ૨૨, વોર્ડ નં.૬માં ૧૭ અને વોર્ડ નં.૭ માં ૧૯ કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી લડવા પોતાનું ફોર્મ ભરી ઇચ્છા દર્શાવી હતી. જ્યારે આ સાત પૈકી વોર્ડ નં.૨માં સૌથી વધારે અને વોર્ડ ૧માં સૌથી ઓછી દાવેદારી નોંધાઇ હતી.