Main Menu

મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા ગોલ્ડન બાબા, જાણો શું કહે છે સોના વિશે

શહેરના પવિત્ર ભવનાથ મહાદેવના ધામમાં ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. સામાન્ય રીતે વસ્ત્રહીન નાગા બાવાઓ આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પરંતુ નાગા બાવાઓ સાથે એક ગોલ્ડન બાબા આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. મહાશિવરાત્રીના મેળામાં એક બાબા એવા પણ જોવા મળે છે., કે જે ભાગવા વસ્ત્રો સાથે 11 કિલો સોનાના દાગીના પહેરી આવે છે અને લોકો તેમના દર્શન માટે ઉમટી પડે છે.

ચૌદા મઢી રમતા પંચના મહંત ગોલ્ડનપુરી બાબા મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છે. આ બાબાના દર્શન કરવા માટે લોકો પડાપડી કરતા જોવા મળે છે. સોનું પહેરવાના શોખીન એવા આ સાધુ શરીરે ભગવા તો ધારણ કરે છે પણ સાથે-સાથે 11 કિલો સોનું પણ ધારણ કરે છે. મહાશિવરાત્રીના મેળામાં આવી પહોંચેલા ગોલ્ડન બાબા કહે છે કે, સોનાના દાગીના મારા માટે તમામ દેવી દેવતા સમાન છે. આ દાગીના મારા ઇષ્ટદેવ છે અને હું તેની પૂજા પણ કરું છું. 1972થી હું આ સોનાના દાગીના ધારણ કરું છું મારા માટે સોનાના આ દાગીના અમૂલ્ય છે.

સામાન્ય રીતે સોનુ સ્ત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. શરીરે લાખેણા હાર ધારણ કરીને સ્ત્રી પોતાની જાતને સૌથી વધુ સુખી માનતી હોય છે. પણ અહીં તો સંસારનો ત્યાગ કરી ચૂકેલા ભગવાધારી સંત 11 કિલો સોનાના દાગીના ધારણ કરીને મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.