Main Menu

સરથાણાના યુવાન વેપારીનો પત્ની બાળક સાથે સામુહિક આપઘાત

સરથાણા યોગીચોક સ્થિત મેજીસ્ટીકા હાઈટ્સમાં માત્ર એક માસ અગાઉ જ નવો ફલેટ ખરીદી સંયુક્ત પરિવારમાં રહેવા આવેલા યુવાન વેપારીએ આજે સવારે પત્ની અને ચાર વર્ષિય બાળક સાથે એપાર્ટમેન્ટના ૧૨ મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ખળભળાટ વ્યાપી ગયો હતો. વેપારીના ખિસ્સામાંથી મળેલી છ પાનાની સ્યુસાઈડ નોટમાં વેપારીએ વ્યાજના બોજાથી કંટાળી પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કરતાં સરથાણા પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે. બનાવ અંગે સ્મીમેર હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના બગસરાના જુના વાઘણીયાના વતની અને અગાઉ યોગીચોક તુલસીદર્શન સોસાયટીમાં રહેતા તેમજ કોમ્પ્યુટર અને તેના પાર્ટસનો હોલસેલમાં વેપાર કરતા તેમજ નાના વરાછા ચીકુવાડી ગેલાણી પાર્કમાં જાયન્ટ ક્રેડીટ સોસાયટીના નામે નાની બચત યોજના છેલ્લા ત્રણ વર્ષથી ચલાવતા વિજયભાઈ ચતુરભાઈ વઘાસીયા(ઉ.વ.૩૫) એ માત્ર એક માસ અગાઉ સરથાણા યોગીચોક મેજીસ્ટીકા હાઈટ્સમાં પોતાની માલિકીનો ફલેટ નં. ૨૦૧ ખરીદયો હતો અને માતા-પિતા, નાના ભાઈ અને પોતાના પરિવાર સાથે સંયુક્તપણે રહેવા આવ્યા હતા. આજે સવારે છ વાગ્યે વિજયભાઈ પત્ની રેખા (ઉ.વ.૩૦) અને જુનીયર કેજીમાં અભ્યાસ કરતા પુત્ર વીર (ઉ.વ.૪) ને લઈ પિતરાઈ ભાઈ ગૌરવ પરસોત્તમભાઈ વઘાસીયા સાથે મોર્નીંગ વોક માટે એપાર્ટમેન્ટની નીચે ઉતર્યા હતા. જો કે, એપાર્ટમેન્ટના વોકીંગ ટ્રેક ઉપર જતાં પહેલાં વિજયભાઈએ ગૌરવને કહ્યું હતું કે, ‘પાણીની બોટલ ભૂલી ગયા છે, તું ઘરમાંથી લઈ આવ.’ ગૌરવ ફલેટમાં પાણીની બોટલ લેવા ગયો ત્યારે વિજયભાઈ પત્ની અને બાળક સાથે લિફટમાં બારમા માળે પહોંચ્યા હતા અને ઓપન ટુ સ્કાય (ઓટીએસ) ના પેસેજમાંથી નીચે ઝંપલાવ્યું હતું. બારમા માળેથી ઝંપલાવતા વિજયભાઈ, રેખાબેન અને તેમનો માસૂમ પુત્ર વીર ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા. બનાવની જાણ થતાં પિતરાઈ ભાઈ ગૌરવ અને પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને વિજયભાઈએ ભરેલા અચાનક પગલાને લીધે ચોંકી ઉઠયા હતા. બનાવની જાણ થતાં સરથાણા પી.આઈ. એન.ડી.ચૌધરી તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૃ કરી હતી. પોલીસને વિજયભાઈના ખિસ્સામાંથી છ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. જો કે, સ્યુસાઈડ નોટમાં વ્યાજના બોજા અંગે ઉલ્લેખ કર્યો હોય પરંતુ કોઈના નામ લખ્યાં ન હોય પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે. વધુ તપાસ પીઆઈ એન.ડી.ચૌધરી કરી રહ્યાં છે. ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં પણ વિજયને મોટો ફટકો પડયાની આશંકા (પ્રતિનિધિ દ્વારા)     સુરત, બુધવાર કોમ્પ્યુટરના વ્યવસાયની સાથે કાપડનો શોરૃમ ધરાવતા વિજય વઘાસીયાએ નવો ઇલેકટ્રોનીક્સનો શોરૃમ શરૃ કરવા યોજના બનાવી હતી પરંતુ અન્યોને વ્યાજે પૈસા અપાવતી વેળા જવાબદારી લેવાનું તેને ભારે પડયું હતું તેમજ ક્રિપ્ટો કરન્સીમાં કરેલા રોકાણમાં પણ મોટો ફટકો પડતા આ પગલું ભર્યાની આશંકા છે. આધારભૂત સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોમ્પ્યુટરના વ્યવસાય સાથે સંકળાયેલા વિજય વઘાસીયાનો કાપડનો પણ શોરૃમ છે. આ ઉપરાંત તેણે ઇલેક્ટ્રોનિકસનો નવો શોરૃમ શરૃ કરવાની પણ યોજના બનાવી હતી અને તે માટે આજે સવારે ૯ વાગ્યે ભાગીદાર સાથે  મુંબઇ જવાનો હતો પરંતુ ગણતરીના કલાકો અગાઉ તેણે પત્ની-પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વિજય પરિચિતો – મિત્રોને પોતાની જવાબદારી ઉપર વ્યાજે નાણાં અપાવતો હતો.  જો કે, કેટલાક લોકોએ વ્યાજે લીધેલા નાણાં ભરપાઇ ન કરતા  વિજય મુશ્કેલીમાં મુકાયો હતો અને ફાયનાન્સરોએ તેની મિલકત પણ લખાવી દીધી હતી. એટલું જ નહીં  ક્રિપ્ટો કરન્સીમાં પણ તેણે કરેલા રોકાણમાં તેને મોટો ફટકો પડયો હતો તેવી ચર્ચા છે. એક મહિના પહેલા જ ૧ કરોડનો ફલેટ ખરીદયો, વ્યાજના ટેન્શનની કોઈને જાણ કરી નહોતી પત્ની અને માસૂમ બાળક સાથે આજે સવારે એપાર્ટમેન્ટના બારમાં માળેથી ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરનાર વિજયભાઈ વઘાસીયા કોમ્પ્યુટરના વ્યવસાય ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી નાની બચત યોજના જેવી જાયન્ટ ક્રેડીટ સોસાયટી નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં ચલાવતા હતા. એક માસ અગાઉ જ તેમણે મેજીસ્ટીકા હાઈટ્સમાં અંદાજીત રૃ. ૧ કરોડનો ફલેટ ખરીદયો હતો અને માતા-પિતા, ભાઈ અને પોતાના પરિવાર સાથે રહેવા આવ્યા ત્યારે ૭૦૦ થી ૮૦૦ વ્યક્તિનો જમણવાર પણ કર્યો હતો. જો કે, ધંધાનો વહીવટ એકલા સંભાળતા વિજયભાઈએ વ્યાજે લીધેલી રકમ અંગે ધંધામાં મદદ કરતા નાના ભાઈ કે પિતાને જાણ સુધ્ધાં કરી ન હતી. ગત સાંજે પણ તે મિત્રોને મળ્યા હતા અને ત્યારે તેમને જોઈ કોઈને પણ સ્વપ્નેય ખ્યાલ ન આવ્યો હતો કે તે આજે સવારે અચાનક આંત્યીક પગલું ભરશે. ૬ પાનાની સ્યુસાઈડ નોટ વ્યાજના બોજાથી કંટાળી આપઘાત કરીએ છીએ સ્યુસાઈડ નોટમાં વિજયભાઈએ ‘અતિ કર્ઝ અને વ્યાજના બોજાથી કંટાળી જઈને પરિવાર સાથે આપઘાત કરીએ છીએ તેમાં અમારા પરિવાર કે અન્ય કોઈ જવાબદારી નથી, કોઈનો કોઈપણ પ્રકારનો વાંક નથી’ તેમ લખ્યું હતું.