Main Menu

સૌરાષ્ટ્રમાં આજે હોલીકા દહન સાથે પરંપરાગત રીતે ઉજવાશે હોળી પર્વ

આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય તથા અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન હોળી પર્વની સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાગણ સુદ પુનમના પાવન દિવસે તા. ૧ ના પરંપરાગત ઉજવણી કરાશે. શહેરો, ગામોમાં સાંજે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે હોળી પ્રાગટય કરાશે. ચોકેચોકે લાકડા, છાણા વગેરેની સુશોભીત હોળીએ તૈયાર કરાઇ છે. શ્રધ્ધાળુઓ હોળીની પ્રદક્ષિણા કરી ખજૂર, ધાણી, શ્રીફળ, દાળિયાનો પ્રસાદ હોમશે. તો બીજી બાજુ પરંપરા પ્રમાણે હોળીની ઝાળની દિશાના આધારે આગામી વર્ષ કેવું નિવડશે તેનો વર્તારો કરાશે. * જામનગર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં કુલ ૪૦૦થી પણ વધુ સ્થળો પર હોલિકા મહોત્સવ ઉજવવામાં આવશે. સાંજે ૭.૪૦ મીનીટ પછી હોળી પ્રગટાવાનું મુહૂર્ત હોવાથી ઠેર – ઠેર હોળી પ્રગટાવવામાં આવશે. જે માટે શહેરના કેટલાક ચોક શણગારવામાં આવ્યા છે અને હોળીની ગોઠવણીઓ થઇ ગઇ છે. જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોય જ્ઞાાતિ સમાજ દ્વારા ૬૭માં હોલિકા મહોત્સવનું ભારે ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. જયાં ૩૦ ફુટની ઊંચી હોલિકાની રૃ – ઘાસ વગેરેની પ્રતિમા બનાવાઇ છે. હોળીના તહેવારના દિવસે સવારે સમસ્ત ભોઇ સમાજના જ્ઞાાતિજનો દ્વારા એક મોટું ઝુલુસ કાઢવામાં આવશે. જે શાક માર્કેટ, ભોઇવાડો સહિતના આસપાસના વિસ્તારોમાં ફરશે. જેમની સાથે આસપાસના વિસ્તારની નાની નાની ૨૫ જેટલી હોળીના સંચાલકો પણ આ પ્રોસેશનમાં જોડાશે. જે સાંજે શાક માર્કેટ વિસ્તારમાં પૂર્ણ થશે. ત્યાર પછી રાત્રીના પોણા આઠ વાગ્યે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. * જૂનાગઢના ગિરનાર પર આવેલા અંબાજી મંદિરે શ્રીફળ તથા છાણાની હોળી તૈયાર કરી હોળી પ્રાગટય થાય છે. ત્યારબાદ જૂનાગઢ શહેરમાં હોલીકા દહન થાય છે. આવતીકાલે હોળી નિમિત્તે આ પરંપરા મુજબ સાંજે પ્રથમ અંબાજી મંદિરે હોળી પ્રગટશે. ત્યારબાદ જૂનાગઢના ગાંધીગ્રામ, દોલતપરા, ઝાંઝરડા રોડ, જોષીપરા, ટીંબાવાડી, મધુરમ સહિતના વિસ્તારોમાં તેમજ શેરી – મહોલ્લામાં અંદાજે કુલ ૧૫૦ થી વધુ સ્થળે હોળીકા દહન થશે. અને લોકો હોળીના દર્શન કરી હોળી ફરત પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળ પધરાવશે. જયારે જાણકારો હોળી પ્રગટયા બાદ તેની જવાળાઓ કંઇ દિશામાં જાય છે? તેના આધારે આગામી ચોમાસાનું પૂર્વાનુમાન વ્યકત કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોળી નિમિત્તે ભુલકાઓની ”વાડ”ના પ્રસંગ ઉજવાશે. જેમાં નાના ભુલકાઓને વાજતે – ગાજતે હોળી પ્રાગટય સ્થળ સુધી લઇ જઇ તેમને હોળીના દર્શન કરાવવામાં આવશે. જૂનાગઢમાં કાલે યુવાનો દ્વારા પ્રતિકાત્મક નનામી કાઢી વ્યસનમુક્તિની સંદેશ આપવામાં આવશે. આમ જૂનાગઢ સહિત જિલ્લામાં ભાવભેર હોળી પર્વની ઉજવણી થશે. * ધોરાજીમાં અનેક વિસ્તારો એવા અવેડા ચોક, થીરાવાડ પ્લોટ, રામ મંદિર ચોક, રેલવે સ્ટેશન, આનંદ બજાર, નામનાથ ચોક, કુંભારવાડા, હોકળાકાંઠા – કંસારા ચોક, બાલથા ચોરા થી ખાણીયા ચોક, ફરેણી રોડ, વઘાસિયા ચોરા, ચામડીયા કુવા ચોક, રોકડીયા હનુમાન ચોક વિગેરે શહેરના તમામના વિસ્તારોમાં ગુરૃવારે રાત્રીના ૮ વાગ્યા બાદ હોલીકા દહનનો કાર્યક્રમ રાખેલ છે. * વેરાવળમાં શારદા સોસાયટી ભૈરવનાથ ચોક, ૮૦ ફુટ રોડ ઉપર કાળભૈરવની પ્રતિમાનું દર્શનનું આયોજન કરાયું છે આ ઉત્સવ ને ધામધુમપૂર્વ મનાવવા માટે સમસ્ત ભોય જ્ઞાાતિના આગેવાનો યુવાનો દ્વારા સમગ્ર વિસ્તારને રોશનથી શણગારવામાં આવી રહ્યો છે. પુજન કરી પતાસા, સાકર, મીઠાઇ, ખજુર તથા સુકા મેવાનો પ્રસાદ ધરાવવામાં આવશે તે જ રીતે સોમનાથ પ્રભાસપાટણમાં રામરાખ ચોકમાં કાળભૈરવની પ્રતિમાના દર્શન કરાવાશે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં ૩૦૦ થી વધારે હોળી ઉત્સવ મનાવવામાં આવશે તેમજ ધુળેટીના દિવસે અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. * ટંકારામાં ૨૦ જેટલા સ્થળોએ હોળી પ્રાગટય કરાશે. લક્ષ્મીનારાયણ મંદિર, હવેલી, રાજબાઈ મંદિર, ઘેટીયાવાસ, રામ મંદિર, ત્રણ હાટડી રામમંદિર સહિતના સ્થળોે હોળી પ્રગટાવાશે. જ્યારે આર્યવીર દળ દ્વારા હોળીની વિશિષ્ઠ રીતે ઉજવણી કરાય છે. ઔષધિ યુક્ત હવન સામગ્રી થકી હોળી પ્રાગટય કરાય છે. તથા આ હવન સામગ્રી સાથે આર્યવીર દળના યુવાનો દરેક હોળીના સ્થળોે જઈ લોકોને તે સામગ્રી આપી તેની આહુતિ હોળીમાં અપાશે.