Main Menu

ધો.૧૦-૧૨ના ૧૭.૧૪ લાખ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ સોમવારથી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં આ વખતે આખા રાજ્યમાંથી કુલ ૧૭,૧૪,૯૭૯ વિદ્યાર્થીઓ નોધાયા છે. પ્રથમ દિવસે ધોરણ.૧૦માં ભાષાનુ પેપર, ધોરણ.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાાન જ્યારે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વ વિષયના પેપરથી પરીક્ષાના પ્રારંભ થશે. આવતીકાલથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાઓ ૨૩ માર્ચ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે રાજ્યમાં કુલ ૨૫૦ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો અલગ તારવવામાં આવ્યાં છે. જેથી આ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.

ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે આખા રાજ્યમાં કુલ ૧,૫૪૮ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે. નક્કી કરેલ પરીક્ષા કેન્દ્રોની ૫,૪૮૩ બિલ્ડિંગના ૬૦,૩૩૭ બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ દિવસ વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવવા ઉપરાંત કુમકુમ તિલક દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ.૧૦માં નવા ૪૫ પરીક્ષા કેન્દ્રોની માગ કરવામાં આવી હતી જે પૈકી ૩૩ કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના દેરડી, મુણખોસલા અને માળિયા મીયાણા કેન્દ્રને રદ કરવામાં આવ્યંુ છે. જ્યારે ધોરણ.૧૨ સાયન્સમાં નવા ૫ પરીક્ષા કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યકક્ષાની ૪૨ અને જિલ્લાની ૧૫ સ્ક્વોડની ટીમો તહેનાત

ધોરણ.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઈ અસામાજિક તત્ત્વો દ્વારા ગેરરીતિ આચરાતી હોવાની વારંવાર ફરિયાદો ઊઠતી હોય છે. જેને લઈ શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની કુલ ૪૨ સ્ક્વોડની ટીમો તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, જુનાગઢ, મોરબી સહિતના કેટલાક જિલ્લાના ડીઈઓએ અલગથી સ્ક્વોડની માગ કરતા જિલ્લાકક્ષાએ ૧૫ સ્ક્વાડની ટીમને મંજૂરી અપાઈ છે. આ ટીમો સોમવારથી જ તહેનાત થઈ જશે.