Main Menu

થોરડી ગામે પાણી મામલે આધેડ પર પિતા-પુત્રનો ઘાતકી હુમલો

ભાવનગર તાલુકાના થોરડી ગામે મજિયારા કૂવામાંથી પાણી ભરવા મામલે બે પરિવાર વચ્ચેના ઝઘડામાં આધેડ ઉપર કુહાડી, કોદાળી વડે જીવલેણ હુમલો કરી આરોપી પિતા-પુત્ર ફરાર થઈ ગયાની ફરિયાદ વરતેજ પોલીસમથકમાં નોંધાઈ છે. પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈને હવાલાતમાં બંધ કરી દીધાં હતા.

પોલીસના સાધનોના જણાવ્યા મુજબ થોરડી ગામે રહેતાં પ્રવીણભાઈ લલ્લુભાઈ ઈટાળિયા પટેલ (ઉ.વ.૪૦) અને શેઢાપાડોશી ખેડૂત ગોપાભાઈ રાણાભાઈ ઈટાળિયા પટેલ વચ્ચે મજિયારો કૂવો છે. જે કૂવાના પાણી ખેતીકામ માટે લેવા મામલે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. દરમિયાનમાં ગઈકાલે કૂવામાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થતાં આરોપી ગોપા રાણાભાઈ ઈટાળિયા તથા તેના પુત્ર અશ્વીન ગોપાભાઈ ઈટાળિયાએ ઉશ્કેરાઈ જઈ એકસંપ કરી કોદાળી, કુહાડી વડે હુમલો કરી શેઢાપાડોશી પ્રવીણભાઈને કપાળના ભાગે લોહિયાળ ઈજા પહોંચાડી બન્ને આરોપી નાસી છૂટયાં હતા. આ અંગે ઈજાગ્રસ્ત પ્રવીણભાઈ લલ્લુભાઈ ઈટાળિયાએ ગામના જ ગોપા રાણાભાઈ ઈટાળિયા તથા તેના પુત્ર અશ્વીન વિરૃધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી હવાલાતમાં બંધ કરી દીધાં હતા. બન્ને આરોપીને આવતીકાલે કોર્ટહવાલે કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતુ. વધુ તપાસ પીએસઆઈ જે.પી.ગઢવી ચલાવી રહ્યાં છે.