Main Menu

સ્ટ્રેચર તથા વ્હીલચેર પણ અપૂરતી અને તૂટેલી

સર ટી.માં ત્રણ દિવસથી સિટીસ્કેન અને એમઆરઆઇ બંધ, દર્દીઓને રઝળપાટ

માત્ર પ્રશ્નો સાંભળી વાહ વાહ લૂંટાય છે, પ્રશ્નોનો ખરા અર્થમાં ઉકેલ ક્યારે આવશે..? : લોકોમાં પુછાતો સવાલ

સર ટી.હોસ્પિટલમાં સીટીસ્કેન અને એમઆરઆઇ સુવિધા ત્રણ દિવસથી બંધ કરાતા ગરીબ દર્દીઓને રઝળપાટ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓને ત્યાં જ સુવિધા મળી રહે એ માટે પ્રાઇવેટ કંપનીને જગ્યા ફાળવાઈ છે પરંતુ સેવા-સુવિધામાં ધાંધીયા એ ફરિયાદ હવે કાયમી થતી જાય છે.જેની સામે પગલાં ભરવામાં તંત્રવાહકોના હાથ ધ્રુજી રહ્યા છે.!
હજ્જારો ગરીબ દર્દીઓને આશીર્વાદ સમાન ભાવનગરની સરકારી સર ટી. હોસ્પિટલના વહીવટ સામે દિન પ્રતિદિન ફરિયાદો વધી રહી છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પણ જરૂરિયાતમંદ દર્દીઓના નસીબમાં રઝળપાટ જ લખાયેલો હોય એમ સારવાર મેળવવામાં પરેશાની ભોગવવી પડે છે. સર ટી. માં જ ટોકનદરથી જગ્યા મેળવી પ્રાઇવેટ કંપનીએ સીટીસ્કેન અને એમઆરઆઈનો કોન્ટ્રાકટ રાખ્યો છે પરંતુ જરૂરિયાત મુજબ ટેકનીશીયન નહીં રાખી કામગીરીમાં ખૂબ વિલંબ કરાતો હોવાની ફરિયાદ છે. ઓછા સ્ટાફના કારણે દર્દીઓના રિપોર્ટ સમયસર થતા નથી પરિણામે સારવારમાં વિલંબ થાય છે. આ બેદરકારીમાં  તંત્રવાહકો પણ સામેલ હોય તેમ કોઈ પગલાં ભરતા નથી કે નથી ઉપર રિપોર્ટ કરાતો. છેલ્લા ત્રણ દિવસથી આ બંને રિપોર્ટની કામગીરી બંધ છે જેથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દોડવું પડે છે અને આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. કહી શકાય કે દર્દીઓની પીડામાં ઓર વધારો થયો છે.
આ બંને મશીન બંધ હોવા અંગે તંત્ર વાહકોએ વાર્ષિક મેન્ટેન્સનું કારણ આગળ ધર્યું છે પરંતુ અતી આવશ્યક એવી આ સેવામાં વૈકલ્પિક વ્યવસ્થાઓનો કોઈ નિયમ હોય કે નહીં..? મેન્ટેન્સના નામે હાથ ઊંચા કરી દેવાથી દર્દીઓની પરેશાની વધારી દેવાઈ છે પરંતુ વ્યવહારુ ઉકેલ માટે કોઈ પ્રયાસ નહીં કરી જવાબદારો હાથ ખંખેરી રહ્યા છે જે સામે દર્દીઓ અને સગા વ્હાલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સર ટી. માં તંત્ર ખાડે ગયું હોવાનો લોકોને અહેસાસ થઇ રહ્યો છે. તાજેતરમાં રંઘોળા અકસ્માત વેળા સ્ટ્રેચરની તંગી પડી હતી. સર ટી. માં સંખ્યાબંધ સ્ટ્રેચરો છે પણ રીપેરીંગના વાંકે ઉપયોગમાં લેવાતા નથી જેથી આકસ્મિક સંજોગોમાં સ્ટ્રેચર ખૂટી પડે છે જે રંઘોળાની ઘટના વેળા સાબીત થયું હતું. ઇજાગ્રસ્તોની પલંગ પર હેરફેર કરવાની નોબત આવી હતી .આ માટે જવાબદાર કોણ છે..? દર મહિને માત્ર પ્રશ્નો સાંભળીને વાહ વાહ મેળવતા મહિલા ધારાસભ્ય પ્રશ્નો ઉકેલવા પણ થોડું ધ્યાન આપે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.