Main Menu

ઓળખ પરેડમાં શૈલેષ ભટ્ટે ત્રણેય આરોપીઓને ઓળખી બતાવ્યા

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને  બાર કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરી લેવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી ત્રણ આરોપીઓને પકડયા છે અને તેમના રીમાન્ડ પણ મેળવ્યા છે ત્યારે આજે ગાંધીનગર મામલતદાર કચેરી ખાતે આ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી શૈલેષ ભટ્ટે ત્રણેય આરોપીઓને ઓળખી બતાવતાં હવે સીઆઈડીએ આરોપીઓની વધુ પુછપરછ શરૃ કરી છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી બીટકોઈન પડાવી લેવા માટે અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમે અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાને અંજામ આપી દીધો હતો. ત્યાર આ મામલે સીઆઈડી ક્રાઈમે અનંત પટેલ સહિત ૧૧ સામે ગુનો નોંધીને અમરેલીના બે પોલીસ જવાનોની સાથે સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી લીધી હતી. ગઈકાલે આ ત્રણેય આરોપીઓને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના રીમાન્ડ પણ મંજુર થયા છે ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા આ ઘટનામાં ભોગ બનનાર શૈલેષ ભટ્ટનું વધુ નિવેદન નોંધવામાં આવી રહયું છે. આજે સીઆઈડી ક્રાઈમે આ ત્રણેય આરોપીઓને ગાંધીનગર મામલતદાર કચેરી ખાતે લઈ જઈને તેમની ઓળખ પરેડ કરવાનું નક્કી કર્યું હતું. સાંજે પાંચ વાગ્યે આરોપીઓને મામલતદાર કચેરી લઈ જવાયા હતા જ્યાં ત્રણ આરોપીની સાથે અન્ય દસ ખાનગી માણસોને ઉભા રાખી દેવામાં આવ્યા હતા. જોકે શૈલેષ ભટ્ટે તુરંતજ બન્ને પોલીસ જવાનોની સાથે કેતન પટેલને ઓળખી બતાવ્યો હતો.