Main Menu

બીટકોઇન પ્રકરણ : બે કોન્સ્ટેબલ અને વકીલ ત્રણ દિવસના રિમાન્ડ પર

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ૧૨ કરોડ રૃપિયાના બિટકોઈનની ઉચાપત અને ૩૨ કરોડ રૃપિયાની ખંડણી વસૂલવાના કેસમાં સેશન્સ કોર્ટે અમરેલી પોલીસના બે કોન્સ્ટેબલ અને સુરતના એક વકીલની ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસના મુખ્ય આરોપી પોલીસ ઇન્સપેક્ટર અને મહત્વના મદદગારો સાથેની સાંઠગાંઠ વિશે ગયા વખતે મળેલા પાંચ દિવસના રિમાન્ડમાં યોગ્ય માહિતી મળી ન હોવાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ તરફથી સ્પેશિય સેશન્સ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ગત સમયે આરોપી કોન્સ્ટેબલ બાબુભાઈ ડેર તેમજ  વિજય વાઢેર તેમજ વકીલ કેતન પટેલને પૂછપરછમાં મુખ્ય આરોપી પી.આઈ., માજી ધારાસભ્ય નલીન કોટડિયા, અમેરલીના પોલીસ અધિક્ષક સાથે આ તોડ મામલે કઈ-કઈ વાત થઈ હતી તેનો સંતોષકારક જવાબ હજુ સુધી સીઆઈજી ક્રાઈમને મળ્યો નથી. આ કેસની વિગતથી તદન અલગ મનધડત વાતો ત્રણેય આરોપીઓ કરી રહ્યા છે તેમજ તેમના જવાબો કોઈ કાવતરાનો અને પૂર્વઆયોજનનો ભાગ છે આ તોડ થયો તે સમયે આ કેસના કુલ ૧૦ આરોપી પોલીસ કર્મચારીઓમાંથી ૬ પોલીસ કર્મચારીઓ ફ્લાઈટ દ્વારા મુંબઈ ગયા હતા. આરોપીઓનું કહેવું છે કે તેઓ તપાસ માટે મુંબઈ ગયા હતા પણ ક્યા કેસની તપાસ માટે મુંબઈ ગયા હતા તે મામલે કોઈ જવાબ નથી આપી રહ્યું. આભાસી બિટકોઈનને રોકડમાં વટાવવા માટે આ આરોપીઓ મુંબઈ ગયા હોવાની સંભાવના તપાસ એજન્સીને લાગી રહી હોવાથી વધુ પાંચ દિવસના રિમાન્ડ આપવા જોઈએ તેવી રજૂઆત પબ્લિક પ્રોસિક્યુટર સુધીર બ્રહ્મભટ્ટે કરી હતી. સેશન્સ જજ એન.સી. રાવલે બન્ને પક્ષોની રજૂઆતો સાંભળીને સોમવાર સુધીના રિમાન્ડ આપ્યા હતા.