Main Menu

લીલીયા ખાતે નારી અદાલત તેમજ તેના કાર્યો વિશેની માહિતી આપતો સેમિનાર સંપન્‍ન થયો

ગુજરાત રાજય મહિલા આયોગના અધ્‍યક્ષા શ્રી લીલાબેન અંકોલીયાના
અધ્‍યક્ષસ્‍થાને લીલીયા ખાતે નારી અદાલત અને તેના કાર્યો વિશેની માહિતી-
વિગતો આપતો સેમિનાર યોજાયો હતો. પ્રારંભમાં દીપપ્રાગટ્ય કરી મહિલા આયોગના અધ્‍યક્ષા શ્રી લીલાબેન અંકોલીયાએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યો હતો. અધ્‍યક્ષસ્થાનેથી લીલાબેન અંકોલીયાએ કહ્યું કે, મહિલા આયોગ-નારી અદાલત સમાજમાં સમાધાન કરાવી સંસારને જોડવાનું સકારાત્‍મક કાર્ય કરે છે. મહિલાઓ પર થતાં અત્‍યાચારનું નિવારણ કરી તેમના હક્કનું તેમને મળી રહે તે માટે મહિલા આયોગ પ્રયત્‍નશીલ હોય છે. રાજય સરકારે વર્ષ-૨૦૦૧માં મહિલા આયોગ, બાળ આયોગ અને મહિલા-બાળ કલ્‍યાણ વિભાગ શરૂ કર્યો છે. રાજય સરકાર મહિલાઓના સામાજિક, આર્થિક, શૈક્ષણિક એમ સર્વગ્રાહી કલ્‍યાણ માટે સતત કાર્યરત છે. સરકારના જુદાં-જુદાં વિભાગમાં મહિલાલક્ષી ૩૦૦ જેટલી યોજનાઓ અમલી છે. કન્‍યા કેળવણીનું દ્રષ્‍ટાંત ટાંકી રાજય
સરકાર દ્વારા કન્‍યાઓને આપવામાં આવતા સાધન સહાય-શિષ્‍યવૃત્તિની વિગતો
જણાવી હતી. કન્‍યાઓને વધુમાં વધુ અભ્‍યાસની તકો મળે અને તે પગભર
બને તે જોવા અપીલ કરી હતી. શ્રી લીલાબેન અંકોલીયાએ વધુમાં કહ્યું કે, રાજય સરકાર મહિલાઓના કલ્‍યાણ માટે પ્રયત્‍નશીલ છે ત્‍યારે મહિલાઓ માટેની મિશન મંગલમ યોજના સ્‍વરોજગારીનું ઉત્તમ માધ્‍યમ બન્‍યું છે. મહિલાઓ સ્‍વરોજગાર થકી આર્થિક
સ્‍વતંત્ર બની છે. આઇટીઆઇમાં જોડાઇ કૌશલ્‍યવર્ધક તાલીમ મેળવી ગ્રામ્ય વિસ્‍તારમાં આર્થિક ઉપાર્જનની તકો જણાવી હતી. તેમણે મહિલાઓને પોતાની શક્તિનો યોગ્ય દિશામાં સકારાત્‍મક રીતે ઉપયોગ કરી નિર્ણયશક્તિને વધુ મજબૂત કરવા આહવાન કર્યુ હતુ. તેમણે સામાજિક રીતરિવાજો તેમજ સંસ્‍કૃત્તિને અનુસરવા પણ અંધશ્રધ્‍ધાને જાકારો
આપવા આહ્વાન કર્યુ હતુ. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, પ્રવર્તમાન રાજય સરકારે મહિલાલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ કર્યુ છે. તેમણે રાષ્‍ટ્રની
વીરાંગનાઓ અને વિવિધક્ષેત્રમાં અગ્રેસર મહિલાઓના દ્રષ્‍ટાંતો ટાંકી પ્રેરણા લેવા અપીલ કરી હતી. મા યોજના, ઉજ્જવલા યોજના સહિત કેન્‍દ્ર-રાજય સરકારની યોજનાઓ વિશે માહિતી આપી હતી. સમાજમાં મહિલાઓને યોગ્ય માન મળે અને દહેજપ્રથા-લાજપ્રથા નિવારવાનું જરૂરી હોવાનું જણાવ્યું હતુ. અધિક કલેકટર અને સભ્‍ય સચિવશ્રી વીણાબેન પટેલે જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા-સલામતી માટે બંધારણમાં પણ જોગવાઇ છે. નારી પર થતાં અત્‍યાચારો-નોકરીના સ્‍થળ પર જાતીય સતામણી સહિત અનેક બાબતે મહિલાઓને પૂરતું રક્ષણ મળે તેવા પ્રયાસો મહિલા આયોગ દ્વારા કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, મહિલા આયોગના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૧૧૧
અને અભયમ હેલ્‍પલાઇન ૧૮૧ છે. ઘરેલુ હિંસા વખતે રેસ્‍ક્યુ ટીમ મહિલાને મદદ કરે છે. ૪૦ લાખથી વધુ કોલ્સ અને કાઉન્‍સેલીંગ કરવામાં આવ્‍યું છે. રાજયમાં ૨૭૦ નારીઅદાલતો શરૂ કરવાની મંજૂરી રાજય સરકારે આપી છે. મહિલા આયોગ દ્વારા ૧૫ હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો છે. યુનિ.-કોલેજ કક્ષાએ શિબિર યોજીને મહિલાલક્ષી કાયદાઓની સમજ અને માહિતી આપવામાં આવી છે. લગ્ન-દહેજના કિસ્સામાં છેતરપીંડીઓ સામે રક્ષણ આપવા વર્ષ-૨૦૦૮થી એનઆરઆઇ મેરેજ સેલ ઉભો કરવામાં આવ્‍યો છે. પ્રાસંગિક પ્રવચન કરતા નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડે જણાવ્યું કે, સ્‍થાનિક સ્‍વરાજમાં મહિલાઓને અનામત મળેલ છે ત્‍યારે મહિલાઓ ખરાં અર્થમાં નેતૃત્‍વ સંભાળી ગ્રામ્ય વિકાસ માટે આગળ આવે તે પ્રવર્તમાન સમયમાં આવશ્યક છે. મહિલાઓ અસરકારક ભૂમિકા ભજવી મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્‍ટાંત પૂરું પાડી શકે છે. ગુજરાત રાજય મહિલા આયોગના અધ્‍યક્ષશ્રી લીલાબેન અંકોલીયા તેમજ મહાનુભાવોના હસ્‍તે સુજાન સખી મંડળની બહેનોને રિવોલ્વીંગ ફંડ પેટે રૂ.૧૨ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો. લીલીયા સ્‍થિત શાંતાબેન કન્‍યા વિદ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ, આઇસીડીએસના શ્રી ડૉ. સિંઘ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ઝાંખીયા, લીલીયાના સરપંચશ્રી હિરાબેન ધામત, શ્રી બાબુભાઇ ધામત, શ્રી ચતુરભાઇ કાકડીયા, શ્રી મગનભાઇ દૂધાત, શ્રી મંજૂલાબેન વીરડીયા, શ્રી જસુબેન ભંડારી, શ્રી હિનાબેન ચાંવ, સંબંધિત અધિકારી- પદાધિકારી-કર્મચારીશ્રીઓ સહિત લીલીયાની બહેનો ઉપસ્‍થિત રહેલ. શાબ્દિક સ્‍વાગત અને આભારવિધી તાલુકા વિકાસ અધિકારીશ્રી આચાર્યે
કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી રૂપાબેન જેઠવાએ કર્યુ હતુ. બાળાઓએ સ્‍વાગત ગીતની કૃત્તિ રજૂ કરી હતી.