Main Menu

કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ, શેડુભાર સ્‍થિત ઠેબી નદી પુર્નજીવિત પ્રોજેકટનો પ્રારંભ કરાવ્‍યો

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી
જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, શેડુભાર સ્‍થિત ગ્રામોદ્યોગ વિકાસ કેન્‍દ્ર ખાતે
ઠેબી નદી પુર્નજીવિત પ્રોજેકટનો પ્રારંભ કરાવ્‍યો હતો.કૃષિ-ગ્રામવિકાસ મંત્રીશ્રી ફળદુએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ અંતર્ગત હયાત તળાવો- જળાશયો-નદી ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જળસંગ્રહના ભગીરથ કાર્યમાં સહભાગી સામાજિક-ધાર્મિક સંસ્‍થાઓ અને વ્‍યક્તિગત દાતાઓને અભિનંદન પાઠવ્‍યા હતા. મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યુ કે, જળસંગ્રહની ક્ષમતા વધતા ગુજરાત રાજયની આવતીકાલ સુખદ છે. જળસંપત્તિ માટે સમયનો ફોગ્ય ઉપયોગ કરી જળસંગ્રહ વધારવાના કામમાં સહકાર આપી, ખેતીની જમીનને વધુ ફળદ્રુપ બનાવીએ. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. સામાજિક-ધાર્મિક સંસ્‍થાઓ અને વ્‍યક્તિગત દાતાઓએ વતનનું ઋણ ચૂકવી જળસંગ્રહના કાર્યોમાં સહયોગ આપ્‍યો છે. શ્રી કાછડીયાએ વધુમાં કહ્યું કે, જિલ્‍લામાં જળસંગ્રહને સંલગ્ન કાર્યો થતાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ થશે તેમજ નીકળેલા કાંપથી ખેતીની જમીન વધુ ફળદ્રુપ બનશે. રાજય સરકારે ગ્રામવિકાસ અને કિસાનલક્ષી વિકાસકાર્યોને મહત્‍વ આપ્યું છે. કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ભગીરથ કાર્યમાં તળાવો, ખેત-વનતલાવડીઓ, નદીઓને ઉંડી ઉતારવામાં આવનાર છે. મનરેગા હેઠળ રોજગારી સર્જન પણ થશે. ભૌગોલિક સ્‍થિતિ મુજબ જિલ્‍લામાં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે આવશ્યક છે. તેમણે સામાજિક-સ્‍થાનિક- ધાર્મિક સંસ્‍થાઓ અને વ્‍યક્તિગત દાતાઓને સહકાર આપવા અપીલ કરી હતી.  સંતશ્રીએ આર્શિવચન પાઠવતા કહ્યું કે, પાણી એ પરમાત્‍મા છે. પાણીની જરૂરિયાત વધુ રહે છે ત્‍યારે જળસંગ્રહ માટેના કાર્યો વધુમાં વધુ થાય તે માટેનું
ભગીરથ કાર્ય રાજય સરકારે હાથ ધર્યુ છે. વરસાદનું પાણી અમૃત્ત છે અને આ પાણીનો
વેડફાટ ન થાય તે જોવું એ પ્રજાધર્મ છે. કૃષિ-ગ્રામવિકાસ મંત્રીશ્રી આર.સી. ફળદુ તથા મહાનુભાવોના હસ્‍તે મા વાત્‍સલ્‍ય યોજનાના લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. આ તકે મા વાત્‍સલ્‍ય યોજના અંતર્ગત મા કાર્ડ કાઢવાનો કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યો હતો. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી ડોબરીયાએ, સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્‍લાની કામગીરીની વિગતો જણાવી હતી. શેડુભાર ખાતે પશુ આરોગ્ય મેળા અંતર્ગત પશુ આરોગ્ય નિદાન અને સારવાર કેમ્‍પ યોજાયો હતો. કૃષિ-ગ્રામવિકાસ મંત્રીશ્રી આર.સી. ફળદુ તથા મહાનુભાવોએ પશુ આરોગ્ય નિદાન અને સારવાર કેમ્‍પની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજય કોળી-ઠાકોર વિકાસ નિગમના શ્રી ભૂપતભાઇ ડાભી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી ડોબરીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, સુરતના પૂર્વ ધારાસભ્‍યશ્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા, અગ્રણી સર્વશ્રી જીતુભાઇ ડેર, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિક વેકરીયા, શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી પ્રેમજીભાઇ માધડ, સરપંચ સર્વશ્રી ભીખાભાઇ, દિલીપભાઇ સાવલીયા, શ્રી કાળુભાઇ ગજેરા, મનરેગા યોજનાના લાભાર્થીઓ, ગ્રામજનો તેમજ જિલ્‍લા જળસ્‍ત્રાવ વિકાસ એકમના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.