Main Menu

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલીના કામનાથ તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી
જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, અમરેલીના કામનાથ તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો. જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ગુજરાત રાજય સ્‍થાપના દિવસ છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં આજે હરખનો ઉત્‍સવ છે. ધબકતુ-દોડતું અને સતત વિકસતું ગુજરાત એક પછી એક વિકાસકાર્યો હાથ ધરી રહ્યું છે. રાજય સરકારે જળસંચયના કાર્યો હાથ ધરી દુષ્‍કાળની સંભવિત સ્‍થિતિને પહોંચી વળવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. મંત્રીશ્રી ફળદુએ કહ્યું કે, જળસંપત્તિ સચવાય રહે તે માટે સમયનો સદ્પયોગ કરીને જળસંચયના કાર્યોને સફળ બનાવવામાં સહયોગી થઇએ. તેમણે ધાર્મિક-સામાજિક સંસ્‍થા તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓના સહકારની નોંધ લઇ આભારની લાગણી વ્‍યક્ત કરી હતી. ભામાશાઓની કાર્યશૈલી ભાવિ પેઢી માટે અનુકરણીય-પ્રેરણાદાયી છે. મંત્રીશ્રી ફળદુએ કર્મયોગી બની જળસંચયના કાર્યોને પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રી ફળદુ તથા મહાનુભાવોએ કામનાથ તળાવ ખાતે ખાતમુહૂર્ત વિધી કરી હતી. ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું કે, ગુજરાત રાજય સ્‍થાપના દિનની શુભકામનાઓ પાઠવી, અમરેલીના રતન અને ગુજરાત રાજયના પ્રથમ મુખ્‍યમંત્રીશ્રી ડૉ. જીવરાજ મહેતા અને તેમની વહીવટી કુશળતાઓના સંસ્‍મરણો તાજા કર્યા હતા. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન ની વિગતો જણાવી સમાજ પ્રત્‍યેનું ઋણ અદા કરવા અપીલ કરી હતી.
કામનાથ મહાદેવ-અમરેલી ખાતેના કાર્યક્રમમાં ગુજરાત રાજય કોળી-ઠાકોર વિકાસ
નિગમના શ્રી ભૂપતભાઇ ડાભી, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી ડોબરીયા, જિલ્‍લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, પ્રાંત અધિકારીશ્રી સતાણી, મામલતદારશ્રી જાદવ, અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી અલ્‍કાબેન ગોંડલીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, સુરતના પૂર્વ ધારાસભ્‍યશ્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા, અગ્રણી સર્વશ્રી જીતુભાઇ ડેર, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિક વેકરીયા, શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી અશ્વિનભાઇ સાવલીયા, શાબ્દિક સ્‍વાગત ચીફ ઓફિસરશ્રી જગતસિંહ વસાવાએ તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશ જોષીએ કર્યુ હતુ.