Main Menu

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હોટેસ્ટ સીટીમાં ભાવનગરે મારી હેટ્રિક

ભાવનગર ઉપર આદિત્ય નારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ આજે સતત ત્રીજા દિવસે સમગ્ર રાજ્યનું સૌથી વધુ હોટેસ્ટ સીટી બની રહ્યું હતું. આજે સતત ત્રીજા દિવસે શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી નોંધાતા લોકો આકરી ગરમીમાં શેકાયા હતા. દિવસભર રાજમાર્ગો સૂમસામ ભાસ્યા હતા. આજે સતત ત્રીજા દિવસે શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી નોંધાતા આબાલ વૃદ્ધ તથા પશુ પંખીઓ અકળાયા હતા. ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન ૪૪.૧ ડીગ્રી તથા ૩૦નાં રોજ ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી નોંધાયું હતું. આમ સતત ત્રીજા દિવસે ભાવનગર રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું હતું. છેલ્લા ત્રણેય દિવસ દરમીયાન ૨૦ કી.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ હતી. આજે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી  લઘુત્તમ ૨૫.૮ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૩૧ ટકા તથા પવનની ઝડપ પ્રતિ કલાકનાં ૨૮ કિ.મી.ની રહી હતી. છેલ્લા ત્રણ દિવસથી ભાવેણાવાસીઓ અત્યંત તીવ્ર ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. ૪૪ ડીગ્રી તાપમાને આબાલ વૃદ્ધ સૌ અકળાઈ ઉઠયા હતા. ખાસ કરીને વડિલો, બાળકો અને દર્દીઓની હાલત ભારે કફોડી બની હતી. તો મફતનગર અને ફુટપાથ પર રહેતા લોકો ગરમ લૂમાં શેકાયા હતા. બપોરના જ નહિ પરંતુ સવારનાં ૧૦ વાગ્યાથી અસહ્ય તાપ અને ગરમ પવન ફૂંકાવો શરૃ થતા સવારથી જ જનજીવન લથડિયા ખાતું ચાલતું હતુ. બપોર થતા શહેરનાં તમામ માર્ગો પર જાણે કુદરતી કર્ફ્યુ લાગ્યો હોય તેમ રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. બપોરનાં સમયે લોકોએ ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. વાતાવરણમાં ગરમ લૂ ફુંકાતી હોય લોકો ટોપી ચશ્મા પહેર્યા વગર બહાર નીકળતા ન હતા. છેલ્લા ત્રણ દિવસથી ૪૪ ડીગ્રી તાપમાનને લીધે લોકોની અગાશી ઉપર રહેલી વોટર ટેન્કમાંથી ફળફળતું પાણી આવતું હતુ જેથી લોકોને ફરજીયાત ગરમ પાણીમાં નહાવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. રખડતા ઢોર અને પક્ષીઓ માથું ફાડી નાખે તેવા તાપમાં વ્યાકુળ જણાતા હતા. સતત ત્રણ દિવસ સુધી રાજ્યનું સૌથી વધુ ગરમી શહેર ભાવનગર રહેતા અત્રે પણ લૂનો અહેસાસ લોકોએ કર્યો. ગરમીની માત્રામાં એકાએક વધારો થતા  ઠંડા પીણા, આઈસ્ક્રીમ તથા પાણીજન્ય ફળોની માંગમાં વધારો થયો હતો. રાત્રે સર્કલો બગીચામાં લોકો સપરિવાર ખુલ્લી હવામાં ફરવા નીકળ્યા હતા. પંખામાંથી ગરમ લૂ આવતી હોય લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો