Main Menu

જાહેર જીવનમાં આપણે જેવા દેખાઈએ છીએ તેવા જ્યારે પોતાના અંગત વર્તુળોમાં રહી શકીશું ત્યારે સાચા અર્થમાં એકતા સાધી શકીશું

એક નગર હતું. એ નગરના રાજાનો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે રાજાને તેમના રાજ્યની પ્રજાને કહ્યું કે, આપને મારા રાજ્યમાંથી જેટલી પણ જમીન જોતી હોય તેટલી જમીનમાં એક મહિનામાં દીવાલ ચણી દો. અને જે સૌથી વધારે જમીન રોકશે એને હું મારા રાજ્યનો વારીસ બનાવીશ. બધા જમીન પર દીવાલ ચણવા લાગ્યા. ૨૯ દિવસ થઈ ગયા. બધાએ ઘણી બધી દીવાલો ચણી નાખી અને જમીન લઈ લીધી. પણ આ રાજ્યમાં એક સંત હતા જેણે ક્યાંય પણ દીવાલ ચણી નહીં. બધા રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે અમે આટલી દીવાલ ચણી છે, અમે આટલી દીવાલ ચણી છે, કોઈકે કહ્યું કે, આ સંતે તો દીવાલ ચણી જ નથી. આ વાત સાંભળીને રાજા ખુશ થઈ ગયા અને એ સંતને પોતાના રાજ્યના વારીસ બનાવી દીધાં. આપણે સૌએ ચાહે હિંદુ હો મુસલમાન હો અથવા તથાકથિત ધર્માચાર્ય હો, કહેવાતા મોટા બનવા માટે અને અંગત ફાયદા માટે ખૂબ મોટી મોટી દીવાલો ચણી છે. આપણે આપણી અંદર રહેલી દીવાલોને જ્યારે તોડી દઈશું અથવા હટાવી દઈશું ત્યારે ઈશ્વર, અલ્લાહ આપણા પર ખુશ થશે અને આપણને તેના વારીસ બનાવી દેશે. જાહેર જીવનમાં આપણે જેવા દેખાઈએ છીએ તેવા જ્યારે પોતાના અંગત વર્તુળોમાં રહી શકીશું ત્યારે સાચા અર્થમાં
એકતા સાધી શકીશું. યાદે હુસૈન કમિટી-મહુવા દ્વારા તા.૦૩/૦૫/૨૦૧૮ ના રોજ “જશ્ને કાએમે આલે મહોમ્મદ” ૨૩મું એકતા જશ્ન યોજવામાં આવ્યું હતું. જે દરમ્યાન પૂ. મોરારિબાપુએ ઉપરના વિચારો વ્યક્ત કરી પરસ્પર ભેદની દીવાલો દૂર કરી પ્રત્યેક ધર્મના લોકો વચ્ચે એકતા અને ભાઈચારો ઊભો થાય તે માટે કટ્ટીબદ્ધ બનવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષથી સમાજમાં જેમણે એકતા સ્થાપવા માટે
પ્રશંસનિય યોગદાન આપ્યું હોય તેવા એક રાષ્ટ્રીયકક્ષાના તથા એક ગુજરાતકક્ષાના એમ બે ઉત્તમ વ્યક્તિઓને ‘યાદે હુસૈન એવોર્ડ’ એનાયત કરવામાં આવેલ છે. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શાલ તથા રૂપિયા ૫૧,૦૦૦/- નો રાશિ શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ-તલગાજરડા દ્વારા અર્પણ કરવામાં આવેલ. આ વર્ષનો રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ મૌલાના અબ્દુલ કલમ આઝાદ ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. સૈયદ ઝહીર અબ્બાસ સાહેબને તથા પ્રાદેશિક કક્ષાનો એવોર્ડ મરહુમ શાયર અને સાક્ષર એવા સ્વ. કવિશ્રી ઝલન માતરીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત હજ કમિટીના ચેરમેનશ્રી મહમ્મદ અલી કાદરી, મૌલાના સબાબ નકવી, શાયર અંજાર સીતાપુરી, લોકસાહિત્યકાર અનવર મીર જેવી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મહુવા શહેરની અગ્રણી વ્યક્તિઓ તથા વિશાળ
જનમેદનીની હાજરી નોંધનીય હતી. સમગ્ર કાર્યક્રમને સુચારુરૂપે પાર પાડવામાં યાદે હુસૈન કમિટીના શ્રી સૈયદ મહેંદીબાપુ તથા તેમની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.