Main Menu

બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર – દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણી

સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જળસિંચનના પ્રેરણાદાયી કાર્યોમાં લાઠી તાલુકાના શેખપીપરીયાનો પણ સમાવેશ થાય છે.

શેખપીપરીયાના વતની અને અમદાવાદ-સુરતમાં સ્‍થાયી થયેલા ઉદ્યોગપતિઓએ જળસિંચન અને ગ્રીન ગુજરાતનો સંકલ્‍પ સાધી નવો રાહ ચીંધ્‍યો છે.

લાઠી તાલુકાના મામલતદારશ્રી નીનામાએ જણાવ્યું કે, સુજલામ સુફલામ યોજના તળે દાતાશ્રીઓ અને સ્‍વૈચ્છિક સંસ્‍થાઓના સહયોગથી સમગ્ર લાઠી તાલુકામાં જળસિંચનના કાર્યો થઇ રહ્યા છે. તળાવ ઉંડા ઉતારવાની કામગીરીને લીધે આગામી સમયમાં વરસાદી પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે.

તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.જે. ભટ્ટે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા કાર્યોને લીધે લાઠી તાલુકાના વિકાસ ગતિવાન બનશે. જમીનના તળ ઉંચા આવશે અને પિયત-પાણીના પ્રશ્નોનું નિવારણ આવશે.

દાતાશ્રી અશોકભાઇ ભાદાણીએ જણાવ્યું કે, જળસિંચનની કામગીરી માટે રાજય સરકારનો નિર્ણય ખૂબ આવકારદાયક છે. આ અભિયાનમાં નદીઓ અને તળાવોમાંથી બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. શેખપીપરીયાના વતની અને દાતાશ્રીઓએ પણ ગામમાંથી બાવળ દૂર કરવા પર વધુ ભાર મૂક્યો છે.

શ્રી ભાદાણીએ વધુમાં કહ્યું કે, આ વિસ્‍તારની ઉપરવાસમાં છ હયાત તળાવ છે. શેખપીપરીયાના સુખનાથ જલધારા ટ્રસ્‍ટના સહયોગથી ગામની લગભગ તમામ અને આજુબાજુના ગામની જમીનને પણ જળસિંચનની પ્રવૃત્તિથી લાભ થવાનો છે. ગ્રામજનોએ કાંપની આ માટીનો ઉપયોગ ખેતી માટે અને ગામના કામ માટે કરવાનો નિર્ધાર કર્યો છે ત્‍યારે ગ્રામજનો સ્‍વખર્ચે આ માટી લઇ જઇ રહ્યા છે.

દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણીએ કહ્યું કે, ઉદ્યોગપતિઓ અને સ્‍થાનિક ખેડૂતો-ગ્રામજનોના સહયોગથી તળાવ ઉંડા ઉતારવાની કામગીરી અવિરત ચાલી રહી છે. ૪૫ વીઘામાં ફેલાયેલા તળાવમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડૂતો-ગ્રામજનોએ ખૂબ જ સહકાર આપ્‍યો છે. ગામમાં અને આજુબાજુના વિસ્‍તારોમાં આ છઠ્ઠા તળાવની કામગીરી શરૂ છે.

જળસિંચન જેટલું જ ઉપયોગી અને મહત્વનું કાર્ય છે વૃક્ષારોપણ. શેખપીપરીયા અને આજબાજુના વિસ્‍તારમાં છેલ્‍લા બે માસમાં ૧,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ છે. ગ્રીન ગુજરાતના સંકલ્‍પ સાથે આગામી દિવસોમાં બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર શેખપીપરીયાના દાતાશ્રીઓ-ખેડૂતો-ગ્રામજનોનો છે. અન્‍ય દાતાશ્રીઓએ તળાવ ઉંડા ઉતારવાની કામગીરીમાં મશીનરી પૂરી પાડીને સહકાર આપ્‍યો છે.

શેખપીપરીયાના ખેડૂતશ્રી સંજયભાઇ ચોથાણીએ કહ્યું કે, શેખપીપરીયામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી પિયત અને પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે તે અત્‍યારના સમયમાં આવશ્યક છે. સુજલામ સુફલામ યોજના તળે કરવામાં આવી રહેલી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીથી જમીનના તળ પણ ઉંચા આવશે જેનો લાભ પણ થવાનો છે.