Main Menu

સખી મંડળના માધ્‍યમથી થતી રોજગારની પ્રવૃત્તિઓ સ્‍વાવલંબન તેમજ મહિલા સશક્તિકરણનું ઉત્તમ માધ્‍યમ છે -સાસંદ નારણભાઇ કાછડીયા

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી.  કાર્યક્રમના અધ્‍યક્ષ સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો.

સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી છે. મહિલાઓને સ્‍વનિર્ભર બનાવનારા અને તેમના સામર્થ્યને બહાર લાવવાનું કાર્ય સખી મંડળ કરે છે. ગ્રામ્ય વિસ્‍તારમાં લઘુ-કુટિર ઉદ્યોગ થકી મહિલાઓને આર્થિક ઉપાર્જન થાય છે.

શ્રી કાછડીયાએ વધુમાં કહ્યું કે, સખી મંડળમાં જોડાયેલી બહેનોને રોજગારની પ્રવૃત્તિ માટે ઓછા વ્‍યાજે લોન મળે છે. ઓછા વ્‍યાજની લોન, સહાય-રિવોલ્‍વીંગ ફંડ એ સ્‍વાવલંબન તેમજ મહિલા સશક્તિકરણનું ઉત્તમ માધ્‍યમ બન્‍યું છે. સખીમંડળમાં થતી પ્રવૃત્તિ થકી ગ્રામ્ય વિસ્‍તાર ધબકી રહ્યો છે.

ઇ.ચા. જિલ્‍લા વિકાસ અધિકારી અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી પી.એમ. ડોબરીયાએ જણાવ્યું કે, સ્‍વસહાય જૂથનું વધુ નિર્માણ થાય અને જૂથના બહેનો દ્વારા સ્‍વરોજગારની પ્રવૃત્તિઓનો વ્‍યાપ વધારે તે આવશ્યક છે. અમરેલી જિલ્‍લાનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી-પશુપાલન છે ત્‍યારે જૂથના માધ્‍યમથી આ પ્રવૃત્તિને વેગવાન બનાવી આર્થિક ઉપાર્જન કરી શકાય છે. બચત, રિવોલ્‍વીંગ ફંડ અને લોનના સમન્‍વયથી સખી મંડળની પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થયો છે.

જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરાએ જણાવ્યું કે, ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને તાત્‍કાલિક લાભ આપવામાં આવી રહ્યો છે. વિકાસલક્ષી પગલાઓ માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ છે. ગરીબ-મધ્‍યમવર્ગીય પરિવારોને આવશ્યક લાભ મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ અમલી છે ત્‍યારે આવી સહાયથી અનેક પરિવારો આર્થિક રીતે સમૃધ્ધ થયા છે.

આ પ્રસંગે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા તથા મહાનુભાવોના હસ્તે સી.આઇ.એફ., કેશ ક્રેડિટ ચેક વિતરણ, પંડિત દીનદયાળ સ્‍વરોજગાર અભિયાન યોજના અંતર્ગત તાલીમાર્થીઓને આવકાર, શ્રેષ્‍ઠ કામગીરી કરનાર સખી મંડળને સન્‍માનિત કરવામાં આવેલ હતા.

આ ઉપરાંત પીજીવીસીએલ-જીએસઆરટીસીમાં એપ્રેન્‍ટિસ તરીકે નિમણૂંક પામેલ આઇટીઆઇના વિદ્યાર્થીઓને તેમજ બેંક સખીઓને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.

        શાબ્‍દિક સ્‍વાગત અને કાર્યક્રમની રૂપરેખા આપતા લાઇવલીહુડના મેનેજરશ્રી કિરણભાઇ વ્‍યાસે કહ્યું કે, ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અસરકારક રીતે ટૂંકા સમયગાળામાં લાભાર્થીને યોજનાકીય લાભ મળી રહે છે. સખીમંડળની બહેનોને સ્‍વરોજગારીની વિશેષ તકો મળે છે.

કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશ જોષીએ કર્યુ હતુ. જ્યારે આભારવિધી શ્રી યાસ્‍મિનબેને કરી હતી.

કાર્યક્રમમાં જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી ધોળકીયા, પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્‍જિનિયરશ્રી પરીખ, અગ્રણી સર્વશ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી રાજેશભાઇ કાબરીયા, શ્રી રેખાબેન માવદીયા, શ્રી કાળુભાઇ પાનસુરીયા, સખી મંડળની બહેનો, આઇટીઆઇના વિદ્યાર્થીઓ, પદાધિકારી-અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.