Main Menu

ફેદરા નજીક કાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર પેદરા નજીક ગુણોદર ધામ નજીક એસ.ટી. બસ અને એસન્ટ ફોર વ્હીલ ગાડી સાથે ધડાકાભેર અકસ્માત થતાં ફોર વ્હીલમાં બેઠેલ એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું તેમજ અન્ય બેને ઇજાઓ થતાં ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી અને ગંભીર ઇજાઓ હોઇ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ધંધુકા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર ફેદરા ગામ નજીક બોટાદથી દાહોદ જતી એસ.ટી. બસ નં.જીજે-૧૮-ઝેડ-૨૩૫૪ સાથે સામેથી આવતી એમ.એચ.-૦૪-ડી.વાય-૨૦૮૫ એસન્ટ ગાડીના ચાલકે બે ફીકરાઇથી ગાડી ધડાકાભેર અકસ્માત કરતા ગાડીમાં સવાર પ્રભાબેન કિશોરભાઇ (ઉ.વ.૪૧)નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તેમજ નયનાબેન જે.બાલધા (ઉ.વ.૪૦) તથા મીત જે.બાલધા (ઉ.વ.૧૪)ને ઇજાઓ થતા ધધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી ગંભીર ઇજાઓ જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક અને ઇજાગ્રસ્ત માતા-પુત્ર મનાલી રેસીડેન્સી નીકોલ તળાવ પાસે અમદાવાદના રહેવાસી હોવાનું ખુલવા પામ્યુ હતું. એસ.ટી. બસ અને એસન્ટ ગાડીના અકસ્માતના બનાવમાં એસ.ટી. બસ બોટાદથી દાહોદ તરફ જતી હતી અને એસન્ટ ગાડીએ સામેથી આવી અકસ્માત કર્યો હતો. અકસ્માતના પગલે એસ.ટી. ડ્રાઇવર દિનેશભાઇ ખીમજીભાઇ ટાંક (રહેવાસી હાલ બોટાદ)નાઓએ ધંધુકા પોલીસને એસન્ટ ગાડીના ચાલક વિરૃદ્ધ ફરિયાદ આપતા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮, એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી મહિલા પી.એસ.આઇ. આર.એમ. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.