Main Menu

આજથી ભાવનગરમાં ૬ રમતના રાજ્યકક્ષાના સમર કેમ્પનો પ્રારંભ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ભાવનગર સહિત રાજ્યભરમાં જુદી જુદી રમતના ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગરમાં ૬ રમતનો સમર કેમ્પ યોજાશે. આ સમર કેમ્પમાં રાજ્યભરના ખેલાડીઓ ભાગ લેવા આવશે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં પણ સમર કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.

ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે આવતીકાલે તા. ૧ર થી આગામી તા. ર મે દરમિયાન બાસ્કેટબોલ, હેન્ડબોલ, ટેબલ ટેનિસ, એથ્લેટીકસ અને કરાટે વગેરે રમતના રાજ્યકક્ષાના ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે, જયારે પાલિતાણા ખાતે આવેલ સતવા બાબા વિદ્યાસંકુલ ખાતે રાજ્યકક્ષાના યોગાસન સમર કેમ્પનુ આયોજન કરાયુ છે. આ સમર કેમ્પમાં અન્ડર-૯, ૧૧, ૧૪, ૧૭ વગેરે વિભાગમાં ભાવનગર, રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કચ્છ-ભૂજ, અમરેલી, જુનાગઢ, બોટાદ સહિતના જિલ્લાના આશરે કુલ પપ૦ પ્રતીભાશાળી ખેલાડીઓ ભાગ લેશે.

સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેકક્ષ ખાતે યોજાનાર પાંચ રમતના કેમ્પનુ સંચાલન સીનીયર કોચ દિવ્યરાજસિંહ બારૈયા કરશે, જયારે યોગાસનના કેમ્પનુ સંચાલન જિલ્લા રમત-ગમત અધિકારી અરૃણ ભલાણી કરશે. આ કેમ્પમાં એસએજીના નિષ્ણાંત કોચ, સીનીયર ખેલાડી વગેરે દ્વારા ખેલાડીઓને સવાર તેમજ સાંજ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત બપોરના સમયે થીયરીના કલાસ લેવામાં આવશે. આ તાલીમ કેમ્પમાં ખેલાડીઓને રમતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. સમર કેમ્પને લઈ ભાવનગરના ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમર કેમ્પમાં ખેલાડીઓને રહેવા અને જમવાની સુવીધા અપાશે. આ ઉપરાંત સમર કેમ્પના અંતે ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાશે.

ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પમાં રપ રમતનો સમર કેમ્પ યોજાશે, જેમાં બાસ્કેટબોલ, હેન્ડબોલ, ફૂટબોલ, યોગાસન, જીમ્નાસ્ટીક, એથ્લેટીકસ, વોલીબોલ, ટેબલ ટેનિસ, કરાટે સહિતની રમતનો સમાવેશ થાય છે. આ રાજ્યકક્ષા સમર કેમ્પમાં જુદા જુદા જિલ્લાના આશરે ૩ હજાર ખેલાડી ભાઈઓ-બહેનો ભાગ લેશે.

ભાવનગર સહિત રાજ્યભરમાં જુદી જુદી રમતના સમર કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. આ સમર કેમ્પનો પ્રારંભ આગામી તા. ૧ર મેથી થઈ રહ્યો છે પરંતુ ખેલાડીઓએ આજે શુક્રવારે સાંજ સુધીમાં સમર કેમ્પના સ્થળે રીપોર્ટીંગ કર્યું હતું તેમ એસએજીના સીનીયર કોચે જણાવેલ છે.