Main Menu

પોણા છ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખી દબાણકર્તાઓ માટે લાલ ઝાઝમ બિછાવશે કોર્પોરેશન

ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક ફિટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને રૂ.પોણા છ કરોડ ખર્ચાશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ભાગ્યે જ એવી કોઈ ફૂટપાથ હશે કે જેના પર ગેરકાયદે દબાણો નહીં થયા હોય.આમ, દબાણકર્તા તત્વો માટે મહાપાલિકા જાણે ખુદ લાલ ઝાઝમ પાથરી રહ્યું છે. લોકસુવિધા માટે અને શહેરના બ્યુટીફીકેશન માટે ફિટ કરાતા પેવિંગ બ્લોક એ સારી કામગીરી છે પરંતુ તુરંત જ દબાણકર્તા તત્વો તેના પર કબજો જમાવી લે છે જે તંત્રની નબળાઈ છતી કરે છે. મ્યુ. કમિશનરે શહેરમાં રાઉન્ડ લઈ આ તથ્યતા ચકાસવી રહી, અન્યથા પ્રજાના કરોડો આમ જ ખર્ચાઈ જશે.!
તા.૧૫ને મંગળવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળનારી છે જેમાં રૂ.૭.૨૧ કરોડના વિકાસ કાર્યો હાથ ધરવા લીલી ઝંડી અપાશે તેમાં પેવિંગ બ્લોકના કામ પાછળ જ અધધ રૂ. ૫.૭૧ કરોડ ખર્ચ કરવા નિર્ણય થશે. આડેધડ ગમે ત્યાં પેવીંગ બ્લોક બેસાડી દેવાથી શહેરનો વિકાસ કર્યો ગણાશે તેમ ભાજપના શાસકોનું માનવું છે ! શહેરના બ્યુટીફીકેશન માટે બીજા અન્ય વિકલ્પો પણ છે જ પરંતુ શાસકો પર જાણે પેવીંગ બ્લોકનું ભૂત સવાર થયું હોય એમ વગર વિચાર્યે કામગીરી થઈ રહી છે. અનેક વિસ્તારમાં પેવીંગ બ્લોક નાખ્યા બાદ મહિનાઓમાં જ વિકાસ માટે રસ્તાઓ ખોદી બ્લોકના કરેલા કાર્યોનો કચ્ચરઘાણ નીકળ્યો છે, આ નુકશાનીના પૈસાનું ભારણ તો આખરે તો પ્રજાના ખિસ્સા પર જ આવવાનું ને..?!
પેવીંગ બ્લોક બેસાડવામાં અતિશયોક્તિ કરાતા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરતું બંધ થઈ સ્ટ્રોમ લાઈન મારફત દરિયામાં વહી રહ્યું છે, એક બાજુ પાણીની તંગી, સરકાર દ્વારા જળ સંચય કામગીરી અને પાણી બચાવવા લોકોને કરાતી અપીલ વચ્ચે અહીં પેવીંગ બ્લોકની આડેધડ કામગીરીથી વરસાદી પાણીને જમીનમાં ઉતરતું રોકવામાં આવી રહ્યું છે. પેવીંગ બ્લોકની સુવિધા અનેક દુવિધાઓ ઉભી કરશે પરંતુ તંત્ર વાહકો કે શાસકોને તેની કોઈ ચિંતા જ નથી. આ બાબતથી અજાણ નગરજનોને પેવીંગ બ્લોક ફિટ કરી વિકાસના ભળતા જ ચશ્માં પહેરાવી હકીકતમાં સંબંધીતોએ પોત પોતાના ખિસ્સા ભરવાના ખેલ માંડ્યા હોવાની જાગૃત નાગરિકોમાં વ્યાપક ચર્ચા છે.