Main Menu

સમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય : બાલકૃષ્ણ દોશી

વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદ્દભાવના ફોરમ અંતર્ગત મહુવા ખાતે સદ્દભાવના પર્વ-૯ પ્રારંભે વિશ્વ વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ મોરારિબાપુના સાનિધ્યમાં બીજરૂપ વક્તવ્ય આપતા કહ્યું કે, સમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય. અહીં ચલચિત્ર સમિક્ષક અમૃત ગંગરે કલાજગત સંદર્ભે ચિત્રપત્ર બાબત વિગતે વાત કરી.

મારા સ્વપ્નનું ભારત વિષયને કેન્દ્ર સ્થાને રાખી કૈલાસ ગુરૂકુળ-મહુવા ખાતે મોરારિબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદ્દભાવના ફોરમ અંતર્ગત સદ્દભાવના પર્વ-૯ પ્રારંભે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું.

અહીં પ્રારંભે બીજરૂપ વક્તવ્ય આપતા વિશ્વવિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ તેમના જયપુર અને ચંદીગઢના નિર્માણ સંબંધી અનુભવ વાતો જણાવી અને કહ્યું કે સ્વપન પછી આપણે આકાંક્ષાઓ ભુલી જઈએ છીએ. તેમણે કહ્યું કે, સમયનું ભાન ન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય. સ્વપ્ન એ બહારના આવરણનું નથી. અંતરના ઉંડાણનું હોય છે.

કેટલાક ઐતિહાસિક સ્થાપત્યોનો ઉલ્લેખ કરી કહ્યું કે, સ્થાપત્ય આપણને જાગૃત અવસ્થામાં લઈ જાય છે. મારા સ્વપ્નનું ભારત બધા સાથે એકરૂપ અને સંવેદનશીલ હોય તેમ ઉમેર્યુ. ડંકેશ ઓઝાના સંચાલન તળે આ પર્વમાં વિશ્વગ્રામના વડા સંજયભાઈએ સાથી તુલાબેન અને ટુકડી દ્વારા કાશ્મીર ક્ષેત્રમાં થયેલા કામોનો સંવેદનશીલ ઉલ્લેખ કરી સદ્દભાવના પર્વ-૯નો હેતુ રજૂ કર્યો હતો. કલા જગત વિષય પર ચલચિત્ર સમિક્ષક અને ઈતિહાસવિદ્દ અમૃત ગંગરે રાષ્ટ્રની સ્વતંત્ર્યતા પહેલી અને પછી ચિત્રપટ કલાની સ્થિતિ રજૂ કરી. ગાંધીજીને કલા પ્રત્યેના ભાવનો ઉલ્લેખ કરી કલાએ જીવનનો ભાગ હોય શકે તેમ કહ્યું. રવિન્દ્રનાથ ટાગોર સહિત દેશ અને વિદેશના કલાવિદ્દો અને ચિત્રપટ નિર્માતાઓ બાબત રસપ્રદ વાત કરી. શ્રોતા દર્શકોની પણ સારી કલા માટે જવાબદારી હોવાનું કહ્યું.

મોરારિબાપુના સાનિધ્યમાં યોજાયેલ આ પર્વ પ્રસંગે પ્રથમ ભદ્રાબેન સવાઈ દ્વારા શ્લોકગાન કરાયું હતું. અહીં ગુજરાત તેમજ અન્યત્ર સ્થાનોથી સામાજીક આગેવાનો અને કાર્યકરો આ ત્રિદિવસીય સત્રમાં જોડાયા છે.