Main Menu

દાંડી હેરીટેજ માર્ગનું નિર્માણ દાંડી કુચની સ્મૃતિ ચિરકાલીન બનાવશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને
ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત
કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં
તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે
વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર
રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ
નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત સાર્થક થયેલ ન હતી.
દાંડી હેરીટેજ માર્ગના નિર્માણથી દેશમાં આઝાદીની અલેખ જગાવનાર “દાંડીકુચ”
આંદોલનની યાદ ચિરકાલીન તે માટે આ માર્ગનું મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરી
ચારમાર્ગીય બનાવવા સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ માર્ગના
કામનો બે હિસ્સામાં બનાવેલ DPR આખરી તબક્કામાં છે. ટૂંક સમયમાં આ કામો હાથ
ધરવામાં આવશે. આ ઉપરાંત મીનીસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આ માર્ગ પર દાંડી કુચ
દરમિયાન ગાંધીજીએ જ્યાં જ્યાં રાત્રી સભાઓ અને રોકાણ કરેલ હોઈ તે સ્થળો પર
ઇન્ફોર્મેશન કમ એક્ઝીબીશન સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. જેથી ભવિષ્યમાં આ માર્ગ પર દેશ વિદેશના ટુરિસ્ટને આકર્ષી શકાશે. ઐતિહાસિક મુલ્ય ધરાવતો આ દાંડી માર્ગ આગામી સમયનું ‘હેરીટેજ ટુરીઝમ’નું મહત્વનું સ્થળ બની રહેશે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ વાળી સરકાર રાજ્માર્ગોના નિર્માણ પર વિશેષ
ભાર મૂકી રહેલ છે.આઝાદી મળ્યાથી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૯૨ હજાર કિમી નેશનલ
હાઈવે હતા. માત્ર ૪ વર્ષમાં વર્તમાન સરકાર દ્વારા બીજા ૩૫૦૦૦ કિમી માર્ગોનું
નિર્માણ કાર્ય પૂર્ણ કરેલ છે, તથા બીજા ૫૩૫૦૦ કિમી રાજમાર્ગોનું કામ દેશમાં ચાલી
રહ્યું છે. અગાઉ UPA સરકારમાં દિવસની ૧૧ કિમી માર્ગોનું નિર્માણ થતું હતું જ્યારે
આજે દરરોજ ૨૮ કિમીનું નિર્માણ થાય છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૫૦૫૪ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો
આવેલા છે. જે પૈકીના ૧૦૯૩ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ એપ્રિલ-૨૦૧૪ પછી ઉમેરાયા
છે. ગુજરાતમાં હાલમાં જુદા-જુદા ૩૮ જેટલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધકામના પ્રોજેક્ટ
ચાલી રહેલ છે જેનો કુલ અંદાજીત ખર્ચ રૂ ૧૪,૪૮૮ કરોડ જેટલો છે તથા ૨૧૪૮
કિમી જેટલા માર્ગોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે જેનો અંદાજીત ખર્ચ રૂ.
૨૫ હજાર કરોડ જેટલો થશે.