Main Menu

૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવશે

તા.૧૬ જુલાઇ થી તા.૧૫ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધી યોજાશે મીઝલ્‍સ રૂબેલા રસીકરણ અભિયાન

સમગ્ર રાજયમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવનાર છે. રાષ્‍ટ્રવ્‍યાપી આ અભિયાન હેઠળ સરકારી-ખાનગી શાળાઓ, આંગણવાડી, પ્રાથમિક-સામૂહિક-શહેરી આરોગ્ય કેન્‍દ્ર તેમજ હોસ્‍પિટલ્સ ખાતે ઝૂંબેશ સ્‍વરૂપે ઓરી અને રૂબેલા રોગ સામે સુરક્ષા પૂરી પાડતી ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે.

ઓરી જીવલેણ રોગ છે જે વાઇરસ દ્વારા ફેલાઇ છે અને ઓરીને લીધે વિકલાંગતા આવી શકે અથવા અકાળે મૃત્‍યુ થઇ શકે છે. રૂબેલા ચેપી રોગ છે, જે વાઇરસ દ્વારા ફેલાઇ છે. રૂબેલાના લક્ષણ ઓરી જેવા હોય છે. છોકરો-છોકરી બંનેને ચેપગ્રસ્‍ત બનાવી શકે છે. સ્‍ત્રી ગર્ભાવસ્‍થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્‍ત બને તો કંજેનિટલ રૂબેલા સિન્‍ડ્રોમ (સીઆરસી) થઇ શકે છે જે તેના ગર્ભ અને નવજાત શિશુ માટે ઘાતક નીવડી શકે છે.

અમરેલી જિલ્‍લામાં તા.૧૬ જુલાઇ થી તા.૧૫ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધી ચાલનાર આ રસીકરણ અભિયાનમાં જોડાઇને ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરાવવા વાલીશ્રીઓને અનુરોધ છે. એમ.આર.-એમ.એમ.આર.ની રસી પહેલા આપવામાં આવી હોય તો પણ આ રસી અપાવવામાં આવશે, તેમ આઇ.ઇ.સી. ઓફિસરશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.