Main Menu

રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ માટે ચિંતિત છે ત્‍યારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ જાગૃત્ત બને તે જરૂરી છે -પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમાર

અમરેલી તાલુકાના મેડી ગામે પ્રાથમિક શાળામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિ.ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમારે, ૨ કન્‍યાઓ અને ૪ કુમાર સહિત કુલ ૬ બાળકોને મીઠું મો કરાવી ધો.૧માં પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રસંગે શ્રી એમ.આર. પરમારે કહ્યું કે, રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ માટે ચિંતિત છે ત્‍યારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ જાગૃત્ત બને તે જરૂરી છે. કન્‍યાઓના અભ્યાસને વધુ મહત્‍વ આપવાનું જણાવી તેમણે કહ્યું કે દીકરી બે કુળ તારે છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી કાર્યક્રમનો ઉદ્દેશ્ય, શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકો ડ્રોપ વિના અભ્‍યાસ કરવા જાગૃત્ત બને તે પણ છે.

શ્રી પરમારે વધુમાં કહ્યું કે, વાલીઓ જાગૃત્ત બની બાળકોને તેમના અભ્‍યાસ વિશે વધુ કાળજી લેતા કરે તે અગત્‍યનું છે. શાળામાં અભ્‍યાસ ઉપરાંત ઇત્તર પ્રવૃત્તિ અને વાંચનની ટેવ પણ બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. બાળકોમાં આરોગ્ય તેમજ પર્યાવરણ માટેની જાળવણી ઉપરાંત આગેવાની, શિસ્‍ત સહિતના ગુણો વિકસે તે માટે પાયાનું ઘડતર શાળા અભ્યાસ દરમિયાન થઇ શકે છે.

શ્રી પરમારે મેડી ઉપરાંત નવા ખીજડીયા અને તરવડા-નાના માંડવડાની પણ મુલાકાત લઇ શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્‍ય તું બડા મહાન હૈ તથા યોગનિદર્શન રજૂ કર્યુ હતુ. વિદ્યાર્થીઓએ અમૃતવચન સ્‍વચ્‍છતા જાળવણી અને બેટી બચાવો રજૂ કર્યા હતા. પ્રતિભાસંપન્‍ન વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. વિદ્યાર્થીઓને કીટ અને પુસ્‍તકો અર્પણ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીઓએ કર્યુ હતુ.

કાર્યક્રમમાં સીઆરસીશ્રી કુલદીપભાઇ દેવમુરારી, આચાર્યશ્રી નરેશભાઇ ગોંડલીયા, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ, વાલીગણ તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.