Main Menu

ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણ પ્રત્‍યે જનજાગૃત્તિ લાવવાનો રાજય સરકારનો ઉદ્દેશ્ય છે -જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક પી.એમ. ડોબરીયા

શિક્ષણમાં કેટલાક ક્રાંતિકારી પરિવર્તન અને રચનાત્‍મક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્‍ટાંત પૂરૂં પાડ્યું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ યોજવામાં આવે છે. રાજયની તમામ સરકારી પ્રાથમિક અને ગ્રાન્‍ટેડ પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક વિભાગમાં સરકારી તેમજ ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળાઓને આવરી લેવામાં લેવામાં આવે છે.

જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી પી.એમ. ડોબરીયાએ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકાના મોટા માંડવડા ખાતે ૬ કુમાર અને ૩ કન્‍યાઓ સહિત કુલ ૯ને ધો.૧માં અને ૯ કુમાર અને ૧૬ કન્‍યાઓ સહિત કુલ ૨૫ને ધો.૯માં પ્રવેશ કરાવ્યો હતો.

શ્રી ડોબરીયાએ કહ્યું કે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણ પ્રત્‍યે જનજાગૃત્તિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકારે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી કાર્યક્રમ શરૂ કરેલ છે. શિક્ષણ કામધેનુ અને માતા સમાન હોવાનું જણાવતા કહ્યું કે, વિદ્યા એ માનવજીવન સાથે આજીવન રહે છે. વિદ્યાભ્યાસ કરી સ્‍વનિર્ભર બની શકીએ છીએ. અભ્યાસની સાથે શિસ્‍ત ભળે ત્‍યારે રાષ્‍ટ્ર સેવા કરવાની પણ વિશેષ તક સાંપડે છે. તેમણે બાળકોને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી યોગ-ધ્‍યાન કરવાની સાથે આરોગ્યલક્ષી કાળજી રાખવા તેમજ અને વાંચનની ટેવ વિકાસવવા અનુરોધ કર્યો હતો.

શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન શ્રી ડોબરીયાએ કમીગઢની મુલાકાત પણ લીધી હતી.

શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્‍ય તું બડા મહાન હૈ તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન વૃક્ષ અને પર્યાવરણ જાળવણી અને બેટી બચાવો રજૂ કર્યા હતા. પ્રતિભાસંપન્‍ન વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. વિદ્યાર્થીઓને કીટ અને પુસ્‍તકો અર્પણ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનિએ કર્યુ હતુ.