Main Menu

જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી.

જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની મુદત પૂરી થતા ફરીવાર ચુંટણી યોજવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તા.19 જૂન હોવાથી જસદણ તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ પહેરવા માટે ચૂંટાયેલા સભ્યો થનગની રહ્યા હતા. પરંતુ મંગળવારે સવારે 11 કલાકે ફોર્મ ભરવાનું શરૂ થયું હતું જેમાં કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ તરીકે સાંણથલી સીટ પરથી ચૂંટાયેલા પાટીદાર છગનભાઇ ગોવિંદભાઇ વોરા અને ઉપપ્રમુખ તરીકે બળધોઈ સીટ પરથી ચૂંટાયેલા શ્રીમતી જયાબેન મનસુખભાઇ જાદવે જ ફોર્મ ભર્યા હતા. ચુંટણીનાં ફોર્મ ભરવાની સમય મર્યાદા બપોરનાં 2 વાગ્યા સુધીની હોવાથી અન્ય કોઈ પણ બીજું ફોર્મ પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે રજૂ ન થતા જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ પદે પાટીદાર છગનભાઇ ગોવિંદભાઇ વોરા અને ઉપપ્રમુખ પદે શ્રીમતી જયાબેન મનસુખભાઈ જાદવને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
અઢીવર્ષ પહેલા જસદણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના 19 સભ્યો અને ભાજપના 3 સભ્યો ચૂંટાયા હતા. જેથી જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે શાસન જમાવી લેતા કોળી સમાજ, ઈત્તર સમાજ અને પટેલ સમાજને પદ આપવામાં આવ્યા હતા. જેમાં જસદણ તાલુકા પંચાયત પ્રમુખ પદે કોળી સમાજનાં જયાબેન મનસુખભાઈ જાદવ, ઉપપ્રમુખ પદે ઈત્તર સમાજનાં નિલેશભાઇ જોટંગીયા અને કારોબારી અધ્યક્ષ પદે પાટીદાર સમાજનાં શિલ્પાબેન અશોકભાઈ રંગાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે બાકી રહેતા અઢી વર્ષના શાસન માટે ફરીવાર યોજાયેલ ચુંટણીમાં જસદણ તાલુકા પંચાયત પ્રમુખ પદે પાટીદાર છગનભાઇ ગોવિંદભાઇ વોરા અને ઉપપ્રમુખ પદે કોળી જયાબેન મનસુખભાઇ જાદવ બિનહરીફ ચૂંટાતા બાકીના અઢી વર્ષ માટે હવે પાટીદાર સમાજનાં ચૂંટાયેલા સભ્ય પ્રમુખ તરીકેનું શાસન ચલાવશે