Main Menu

‘રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે,’ ભાજપમાં જોડાતા જ બદલાયા બાવળિયાના બોલ

ગાંધીનગરમાં કમલમ્ ખાતે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને એવી જાહેરાત કરી હતી કે, કુંવરજીભાઈ બાવળિયા કાેંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને અમે એમને આવકાર્યા છે. આ તકે કુંવરજીભાઈ બાવળિયાએ ભાજપમાં જોડાયા બાદના પોતાના પ્રથમ નિવેદનમાં કાેંગ્રેસ પર એવો આરોપ મુકયો હતો કે, કાેંગ્રેસમાં જાતિવાદી રાજકારણ રમાઈ રહ્યું છે અને પ્રદેશ સંગઠનમાં આંતરિક વિખવાદ ફેલાયો છે માટે કામ કરવાની તક મળતી નથી. કુંવરજીભાઈએ કહ્યું હતું કે, હું ઘણા લાંબા સમય સુધી કાેંગ્રેસ સાથે જોડાયેલો રહ્યાે છું પરંતુ હવે ત્યાં કામ કરવાની તક મળતી નથી અને રાહુલ ગાંધી જાતિવાદી રાજકારણ રમી રહ્યા છે. હવે ભાજપમાં જોડાયા બાદ લોકોની અપેક્ષા પુરી કરશું. એમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ પક્ષને અને દેશને આગળ લઈ જઈ રહ્યા છે અને એમની સાથે ખેડૂતોના, ગરીબોના કામ કરવાની તક મળી છે તો મેં આ તક ઝડપી છે. વિજયભાઈના પણ એમણે વખાણ કર્યા હતા. નરેન્દ્રભાઈ મોદી મારી સાથે લાગણીથી જોડાયેલા છે તેવી વાત પણ બાવળિયાએ કરી હતી.