Main Menu

ભાવ.સોમનાથ ધોરીમાર્ગની ઉપેક્ષા,બાવળોના ઝુંડ રોડ સુધી આવી ગયા

ભાવનગરથી તળાજા, મહુવા અને રાજુલા થઈ સોમનાથને જોડતા ધોરીમાર્ગની દરકાર નહીં લેવાતા વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને રોડ સુધી બાવળના ઝુંડ આવી જતા વાહન ચાલકોના જીવ પર જોખમ ઉભું થયું છે. ભાવ. સોમનાથના માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરાયો છે પરંતુ આ માર્ગ સતત ઉપેક્ષાનો ભોગ બન્યો છે. જંગલ કટીંગ જેવી સામાન્ય કામગીરીમાં પણ તંત્ર દુર્લક્ષય સેવી રહ્યું છે તેના પરથી આ બાબત ફલીત થાય છે.! હાલ હયાત રસ્તાને સમાંતર ચાર માર્ગીય નવા રસ્તાનું કામ ચાલી રહ્યું છે જેનો ધમધમાટ ઉપરાંત ભારે વાહનોની ભીડના કારણે આ રસ્તા પર નાના વાહનો લઈને પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે !
અલંગ, પીપાવાવ તરફથી આવતા અને જતા મહાકાય ટ્રેલર અને અન્ય માલવાહક વાહનો તેમજ બસ, કાર જેવા વાહનોનું ભારે ટ્રાફીક રહે છે જેને ધ્યાને લઇ આ રસ્તાને  ચાર માર્ગીય કરવાનું કામ હાથ ધરાયુ છે પરંતુ હાલમાં હયાત રોડની દરકાર નહિં લઇ તંત્રવાહકો ગંભીર અને ગુનાહિત કહીં શકાય તે પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે. જેનાથી દ્વિચક્રી વાહન ચાલકો પર જોખમ વધ્યું છે. ધોરીમાર્ગ  સુધી બાવળોની ડાળીઓ ફેલાઈ ગઈ છે ત્યારે આકસ્મીક સંજોગોમાં રસ્તાની બાજુમાં અનામત રખાયેલ જગ્યામાં વાહન ઉતારી પોતાની જાતને સુરક્ષિત કરવી મુશ્કેલ બન્યું છે. આથી અકસ્માતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
વધુમાં કેટલીક જગ્યાએ રોડના કામના કારણે માટી, કપચી  ધોરીમાર્ગ પર આવી ગઈ છે. નાગધણીબાના વળાંકમાં આવા કારણોસર રોડ સાંકડો અને વધુ જોખમી બની ગયો છે. આ ઉપરાંત અનેક નાળા અને પુલ જર્જરિત છે જે તાકીદે સમારકામ ઝંખે છે. પરંતુ હાઇવે ઓથોરિટી તદ્દન બેદરકારી દાખવી રહ્યું હોવાની લોકોની ફરિયાદ છે. કોઈ નાળાની દિવાલ તૂટી જાય તો પણ રીપેરીંગમાં દિવસો પસાર કરાય છે, આખરે હાઇવે ઓથોરીટી કરે છે શું..? તે પ્રશ્ન છે. રાજકીય પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ નવા રસ્તાનું ગૌરવ લેવા સાથે હાલ હયાત અને ઉપયોગી રસ્તાની સંભાળ બાબતે પણ દરકાર લેવાનું રાખે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.