Main Menu

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતાં તેમજ ડોલર સામે રૂપિયો નબળો

દેશમાં વધતીજતી મોધવારીને ડામવામાં એન.ડી.એ ની સરકાર તદન નિષ્ફળ : વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતાં તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડતાં અને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે આગામી દિવસોમાં ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે તે જોતા મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ ની કિંમતોને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના સચોટ ઉપાયો શોધવાની તાતી જરૂર છે. નહીંતર દેશમાં જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થવાથી મોંઘવારીમાં અસહ્ય વધારો થશે અને તેના પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનશે. પરંતુ મને લાગે છે કે માત્ર ને માત્ર રાજકીય એજન્ડા ઉપર કામ કરતી મોદી સરકાર આ બાબતમાં અંધારામાં અથડાઇ રહી છે.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે અમેરિકાએ ઇરાન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ઉત્પાદન અને પુરવઠામાં ભારે મોટો ઘટાડો થવાની શકયતાઓ દેખાઇ રહી છે અને તેના કારણે ક્રુડ ઓઇલના ભાવોમાં સમયાંતરે ઉછાળા આવી રહ્યા છે. ક્રુડ ઉત્પાદક અગ્રણી દેશો (સાઉદી અરેબીયા, રશીયા અને વેનેઝુએલા) એ રોજના દસ લાખ બેરલ ક્રુડનું ઉત્પાદન વધારવાનો અને બજારમાં પુરવઠાનું સંતુલન જાળવવાનું જાહેર કર્યુ છે પરંતુ જાણકાર લોકોના કહેવા પ્રમાણે રોજના દસ લાખ બેરલ ક્રુડનું ઉત્પાદન વધારવાથી વૈશ્વિક માંગ પુરી થઈ શકે તેમ નથી અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવો હજુ વધવાની પુરેપુરી શકયતાઓ દેખાઇ રહી છે ત્યારે મોદી સરકારે દેશના અર્થતંત્ર ને ટકાવી રાખવા અગમચેતીના પગલાં ભરવાની જરૂર છે નહીંતર દેશનું અર્થતંત્ર હજુ વધારે ખોરવાઇ જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

 શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે એક તરફ ક્રુડના ભાવોમાં વધારો, બીજી તરફ ડોલર સામે નબળો પડતો જતો રૂપિયો અને ત્રીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોર ભારતીય અર્થવ્યવસ્થાને અને ગ્રાહકોને ભારે મોટું આર્થિક નુકશાન પહોંચાડી રહેલ છે તેમ છતાં મોદી સરકારની આંખ ઉઘડતી નથી એ આ દેશની સૌથી મોટી કમનસીબી છે.

શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, ગત સપ્તાહમાં ડોલરની સામે રૂપિયો ૬૯ ની ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી જતાં ઇમ્પોર્ટ બીલમાં તોતિંગ વધારો થશે. કેમ કે ભારત તેની કુલ જરૂરીયાતના ૧૩ ટકા જેટલી ક્રુડની આયાત કરે છે. ઓઇલ માર્કેટીંગ કંપની (OMC) ઓ ક્રુડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નકકી કરે છે આમ છતાં ડોલરમાં થતી વધ-ઘટ પણ પેટ્રોલ – ડીઝલની કિંમતોને અસર કરે છે.

 સૌથી મોટી આશ્ચર્યની બાબત હોય તો એ છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનું વિતરણ કરતી સૌથી મોટી ઓઇલ માર્કેટીંગ કંપની (IOC) એ તેની વેબસાઇટ પર દર્શાવ્યા મુજબ ફ્યુઅલ પ્રાઇઝર જાહેર કરવાની પધ્ધતિમાં હાલ બદલાવ કરવામાં આવ્યો છે જેના કારણે લોકોને ફ્યુઅલ પ્રાઇઝર જાણવાનું થોડું કઠિન બન્યું છે અને આ ઉપરાંત IOC ની વેબસાઇટ ઉપર વીતેલા વર્ષોમાં ફ્યુઅલ પ્રાઇઝની કિંમત શું હતી તેના આંકડા દર્શાવવાનું બંધ કર્યુ છે એ સૌથી મોટી આશ્ચર્યજનક બાબત છે