Main Menu

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંગેની માર્ગદર્શક સૂચનાઓ આઇખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી જરૂરી

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના અમલીકરણ માટેની માર્ગદર્શિકા મુજબ બેંક પાસેથી જિલ્‍લામાં નિયત થયેલ નોટીફાઇડ પાક માટે ધિરાણ મેળવતા ખેડૂતોને (લોની ફાર્મર કે જેમની લોન તા.૦૧/૦૧/૨૦૧૮ થી તા.૧૫/૦૭/૨૦૧૮ દરમિયાન મંજૂર થયેલ હોય) ફરજિયાતપણે આ યોજના હેઠળ આવરી લેવાના રહે છે. બિનધિરાણી ખેડૂતઓએ પોતે આઇખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અથવા ધિરાણ મેળવેલ હોય તે બેંક ખેડૂતો પાસે આઇખેડૂત પોર્ટલ પર અરજી કરવા મદદ કરશે. આ અરજી માટે આઇખેડૂત પોર્ટલ તા.૧૫ જુલાઇ-૨૦૧૮ સુધી ખૂલ્લું રહેશે. તેમના પાક વીમાનું પ્રિમિયમ કાપવાનું રહે છે. દર પાક વાર પ્રિમિયમના દર નિયત કરવામાં આવ્‍યા છે. ખરીફ ઋતુ માટે મુખ્‍ય અને ગૌણ પાક નોટીફાઇડ થયેલ છે તેમજ પોર્ટલ પર અરજી કરવાની તારીખની મુદ્દત પણ નિયત કરવામાં આવી છે. દરેક તાલુકા માટે નોટીફાઇડ મુખ્‍ય પાક કપાસ (બિ.પિ.) અને નોટીફાઇડ ગૌણ પાક તલ, મગ, મગફળી, કપાસ (પિ) અને કપાસ (બિ.પિ.) છે. આ માટે તા.૧૫ જુલાઇ-૨૦૧૮ સુધીમાં અરજી કરવાની છે. જયારે ધારી તાલુકા માટે નોટીફાઇડ ગૌણ પાક દિવેલા માટે તા.૩૧ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધીમાં અરજી કરવાની રહેશે. જુદાં-જુદાં પાકો માટે પ્રિમિયમ દર ૨ ટકા અથવા ૫ ટકા નક્કી કરવામાં આવેલ છે.

        આ યોજનામાં વિસ્‍તારમાં વરસાદની અછત અથવા પ્રતિકૂળ હવામાનને કારણે વાવણી ન થવાનું જોખમ, ઉભો પાક (વાવણીથી લણણી સુધી) વખતે દુષ્‍કાળ, વરસાદ ન પડવો, પૂર, પાણીનો ભરાવો, જમીન ધસી પડવી, કુદરતી આગ-વીજળી પડવી, વાવાઝોડું, કરા, સાયક્લોન જેવી વિવિધ આપત્તિઓના કારણે પાક ઉત્‍પાદકતામાં ઘટાડો થતો હોય તેવા જોખમો, પાકને કાપ્યા બાદ બે સપ્‍તાહ સુધીના સમયમાં કાપણી પછી જમીન પર પાથરીને સૂકવવામાં આવેલ હોય અને તે પાકને ચક્રવાત અને ચક્રવાતને કારણે થયેલ વરસાદને કારણે તેમજ કમોસમી વરસાદ-માવઠાને કારણે થતું નુકશાન તેમજ સ્‍થાનિક આપત્તિઓના જોખમોને આવરી લેવામાં આવે છે.

        પાક ધિરાણ મેળવેલા મહત્તમ ખેડૂતોને આવરી લઇને આ યોજનામાં સમાવેશ કરવા સંબંધિત ધિરાણકર્તા સંસ્‍થા-બેંક દ્વારા થાય તે હેતુ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ તા.૨૮ જુન-૨૦૧૮ની સ્‍થિતિએ પોર્ટલ પર અરજીની સંખ્‍યા ઓછી હોવાથી ખાનગી, રાષ્‍ટ્રીયકૃત્ત, સહકારી બેંક તેમજ ધિરાણકર્તા સંસ્‍થા દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં આ યોજનામાં મહત્તમ લાભાર્થીઓને આવરી લેવાય તે માટે કાર્યવાહી કરવા લીડ બેંક મેનેજર તેમજ જિલ્‍લા રજીસ્‍ટ્રારને સૂચના આપવામાં આવી છે, તેમજ નાયબ ખેતી નિયામક અને જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.