Main Menu

તા.૧૬મી જુલાઇથી અમરેલી જિલ્‍લામાં નૂરબીબી અને ઓરી રસીકરણ ઝૂંબેશ યોજાશે

૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને નૂરબીબી-ઓરીની રસીથી રક્ષિત કરવા આહવાન કરતા કલેકટરશ્રી આયુષ ઓક 

[wpdevart_youtube]t9Fy6GMPK4Q[/wpdevart_youtube]

સમગ્ર રાજયમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલા (નૂરબીબી-ઓરી) ની રસીથી રક્ષિત કરવામાં આવશે. અમરેલી જિલ્‍લામાં પણ તા.૧૬ જુલાઇ થી તા.૧૫ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધી આ રસીકરણ અભિયાન શરૂ રહેશે. આ રસીકરણ અભિયાનમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરાવવા કલેકટરશ્રી આયુષ ઓકે અનુરોધ કર્યો છે.

કલેકટરશ્રી આયુષ ઓકે કહ્યું કે, રાષ્‍ટ્રવ્‍યાપી આ અભિયાન હેઠળ સરકારી-ખાનગી શાળાઓ, આંગણવાડી, પ્રાથમિક-સામૂહિક-શહેરી આરોગ્ય કેન્‍દ્ર તેમજ હોસ્‍પિટલ્સ ખાતે ઝૂંબેશ સ્‍વરૂપે ઓરી અને રૂબેલા રોગ સામે સુરક્ષા પૂરી પાડતી મીઝલ્‍સ-રૂબેલા (નૂરબીબી-ઓરી)ની રસી આપવામાં આવશે.

આ રસીકરણમાં અમરેલી જિલ્‍લાના ૩,૩૩,૨૩૯ લાભાર્થીઓને આવરી લેવામાં આવે છે. જિલ્લામાં અલગ-અલગ ૩,૯૧૭ સેશન યોજી માર્ગદર્શન તાલીમ આપવામાં આવેલ છે. જેમાં ૧,૯૯૦ આચાર્ય-નોડલ શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે.

આ ઉપરાંત મીઝલ્‍સ-રૂબેલા (નૂરબીબી-ઓરી) રસીકરણ ઝૂંબેશ પછી પણ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન પણ બાળકોને આ રસી મળી રહે તેવી વ્‍યવસ્‍થા રાજય સરકાર દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત સ્‍થળાંતરિત થઇને આવેલા મજૂરવર્ગને પણ આ રસીકરણની સુવિધા તળે આવરી લેવા માટે અલગ વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવશે, તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતુ.

કલેકટરશ્રીએ વધુમાં કહ્યું કે, અમરેલી જિલ્‍લાને નૂરબીબી-ઓરીથી મુક્ત કરવા માટે પ્રતિબધ્‍ધ બનીએ. ઔદ્યોગિક એકમો, ખેતીવાડી-બાંધકામ સાથે સંકળાયેલા તેમજ અન્‍ય નાગરિકોએ સહકાર આપી ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને આ રસી અપાવવામાં સહયોગ આપવા અપીલ પણ કલેકટરશ્રીએ કરી હતી. પોલીયો રસીકરણની ઝૂંબેશ અને તેવી સફળતા મીઝલ્‍સ રૂબેલા રસીકરણને પણ મળે તે માટે નાગરિકોની જાગૃત્તિ જરૂરી છે.

ઓરી જીવલેણ રોગ છે જે વાઇરસ દ્વારા ફેલાઇ છે અને ઓરીને લીધે વિકલાંગતા આવી શકે અથવા અકાળે મૃત્‍યુ થઇ શકે છે. રૂબેલા ચેપી રોગ છે, જે વાઇરસ દ્વારા ફેલાઇ છે. રૂબેલાના લક્ષણ ઓરી જેવા હોય છે. છોકરો-છોકરી બંનેને ચેપગ્રસ્‍ત બનાવી શકે છે. સ્‍ત્રી ગર્ભાવસ્‍થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્‍ત બને તો કંજેનિટલ રૂબેલા સિન્‍ડ્રોમ (સીઆરસી) થઇ શકે છે જે તેના ગર્ભ અને નવજાત શિશુ માટે ઘાતક નીવડી શકે છે. એમ.આર.-એમ.એમ.આર.ની રસી પહેલા આપવામાં આવી હોય તો પણ આ રસીકરણ અભિયાન દરમિયાન આ રસી અપાવીને રક્ષિત કરવામાં આવશે.