Main Menu

સુરત શહેરનાં ‘રીંગરોડ’ નું નિર્માણ કરવા ભારત સરકાર કરી રહી છે આયોજન : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

સુરત શહેરનાં વિકાસને વેગ આપવા તથા હાલ જે ટ્રાફીકનું ભારણ છે તેમા ઘટાડો
કરવા સુરત શહેરનો રીંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્ધારા કરવામા આવી રહ્યું હોવાની માહિતી ભારત સરકારનાં માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ આપી હતી. સુરત કલેકટર કચેરી ખાતે આ અંગે એક મીટીંગ રાખવામાં આવેલી હતી. જેમાં સુરત શહેરનાં પદાધિકારી ઉપરાંત ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા. આ બેઠકમાં સુરત શહેરનો રીંગરોડ બનાવવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી. સુરત શહેરનો રીંગરોડ બનાવવા માટે હાલ હયાત રસ્તા સચિન થી ઇચ્છાપોર અને ઇચ્છાપોર થી ગોથાણ ઉપલબ્ધ છે, જયારે ગોથાણ થી સચિનનો નવો માર્ગ અંદાજીત રૂ. ૬૦૦ કરોડના ખર્ચે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવશે. જેથી સુરત શહેરનો રીંગ રોડ પૂર્ણ થશે. આ ઉપરાંત સુરત શહેરથી અંદાજીત ૧૫ કી.મી. દુર એક નવો ‘ગ્રીનફીલ’ રીંગરોડ બનાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ભારતમાલા’ પરિયોજના હેઠળ સુરત શહેરની પસંદગી પણ કરેલ છે, આ કામ અંગે ડી.પી.આર બનાવવાનું કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. ‘ભારતમાલા’ પરિયોજના હેઠળ ‘રીંગરોડ’ બનાવવા માટે ગુજરાતમાંથી એકમાત્ર સુરત
શહેરની પસંદગી કરવામાં આવેલ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતુ કે, “આ બંને રીંગ રોડનું નિર્માણ થતાં સુરત શહેરનાં વિસ્તાર વિકાસને ખૂબ મોટો વેગ મળશે તથા શહેરનાં ટ્રાફીકનું ભારણ પણ ધટાડી શકાશે. આગામી ૪૦ થી ૫૦ વર્ષની જરૂરીયાતને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા આ રીંગ રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ રીંગ રોડના નિર્માણથી સુરત શહેરની માળખાકીય સુવિધામાં ખૂબ મોટો ઉમેરો થશે તથા ઔધોગિક વિકાસની એક નવી દિશા ખુલશે.