Main Menu

જેસરમાં ૭ કલાકમાં ૯ અને બગદાણા પંથકમાં ૭ ઇંચ વરસાદ

ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડમાં રવિવારે મેઘરાજાએ તોફાની બેટીંગ કરીને ચાર કલાકમાં અડધા ઈંચથી લઈને ૯ ઈંચ સુધી દે ધનાધન વરસાદ વરસાવી દિધો હતો. જેમાં ભાવનગરમાં બપોરના ૩ કલાકે મુશળધાર વરસાદના કારણે માત્ર ૩ કલાકના ગાળામાં સવા ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. તો જેસરમાં સાત કલાકમાં ૯ ઈંચ વરસાદે બહબહાટી બોલાવી હતી. ઘોઘા, મહુવા, તળાજા, પાલિતાણા, સિહોર, ઉમરાળા, વલભીપુર અને તમામ તાલુકા મથકો, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.

ભાવનગરમાં રવિવારે સાંજે ૩ કલાકે શરૃ થઈ સાંજના ૬ કલાક સુધી સવા ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ચારે તરફ ઝળ બંબાકાર જેવી સ્થીતી જોવા મળી હતી. શહેરમા પાણી સમાતુ ન હતુુ. નિચાણવાળા વિસ્તારોમાં કેડસમાણા પાણી ભરાઈ ગયા હતા. ચાર ફૂટથી આગળ જોઈ ન શકાય એવી ઝડપે વરસાદી પાણી વરસી રહ્યા હતા. કેટલીક ક્ષણો સુધી વાહનો થંભાવી દેવા પડે એવી પરિસ્થિતી હતી.

જેસરમાં પોણા ચાર ઈંચ (૯૧ મિ.મિ.) વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત મહુવામાં ૪૫ મિ.મિ. તેમજ પંથકના ઓથા, બગદાણા સહિતના વિસ્તારોમાં જબરદસ્ત વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ઘોઘામાં ૩૮ મિ.મિ.,તળાજા અને પાલિતાણામાં ૩૫ મિ.મિ., વલભીપુરમાં ૨૫ મિ.મિ., સિહોરમાં ૨૬ મિ.મિ.ઉમરાળામાં ૨૧ મિ.મિ., ગારિયાધારમાં ૦૮ મિ.મિ. વરસાદ ખાબક્યો હતો. જેસરમાં જોરદાર વરસાદના પગલે માર્ગો બંધ થઈ ગયા છે.

ગારિયાધાર શહેર અને પંથકમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગારિયાધાર નજીકથી પસાર થતી શેત્રુજી નદીની બાજુમાં આવેલ મેરામણ નદીમાં ઘોડાપુર આવતા ગારિયાધારથી જેસર અને ગારિયાધારથી સાવરકુંડલાનો રસ્તો બંધ થઈ ગયો છે. તાલુકાના પરવડી, નવાગામ, બેલડીમાં જોરદાર વરસાદ ખાબકી ગયો હતો. તો ગતરાત્રિના જાળિયા, માંડવી, ભંમરિયામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો

મહુવાના ભાદ્રોડ ગામે ભાદ્રોડી નદી બે કાંઠે થયા બાદ પુલ ઉપરથી પાણી વહેવા લાગતા મહુવા તરફનો રસ્તો બંધ ગઈ ગયો છે. તો સેદરડા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા મહુવા મામલતદારને જાણ કરવામાં આવી હતી. મહુવા પંથકના કોટામુઈ, સેદરડા સહિતના ગામડાઓમાં ચારે તરફ પાણીના કારણે જળ બંબાકાર જેવી સ્થિતી છે. સેદરડા ગામમાં ભારે વરસાદના પગલે મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. અહિ અંદર માણસો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. અહિ બગડ ડેમમાં જોરદાર પાણીની આવક થતા ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીમાં છે. ત્યારે અહિ તંત્રવાહકોને જાણ કરવામાં આવી છે.