Main Menu

નિંદ્રામાં પોઢી રહેલી સરકારને જગાડવાનો પ્રયાસ

કોંગ્રેસી સભ્યો સાઇકલ રેલી યોજીને વિધાનસભા પહોંચ્યા

ખેડૂતોના મુદ્દાઓને લઈ કોંગ્રેસે ગઈકાલે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરીને સરકારને ઘેરવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહી હતી. આજે વિધાનસભા સત્રના બીજા-અંતિમ દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમએલએ ક્વાર્ટરથી લઈને વિધાનસભા સુધી આ સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું. મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના પ્રશ્ને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલી ભાજપ સરકારને જગાડવાના પ્રયાસના ભાગરૂપે કોંગ્રેસના ધારાસભ્યોની આ સાઇકલ રેલીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વિપક્ષના નેતા ધાનાણીએ આજે ફરીવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવાના પ્રયાસમાં કોંગ્રેસ ફ્‌લોપ રહી. મોંઘવારી સામે વિરોધ કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કંઇક અલગ અને અનોખી રીતે વિરોધ કરવાના ભાગરૂપે સાઈકલ યાત્રા કાઢી હતી. જેમાં પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ ગળામાં ભાજપ વિરોધી બેનરો પહેરીને સાઈકલ રેલી કાઢી હતી. વિધાનસભા તરફ આગળ વધી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. વિધાનસભા જતાં અટકાવતાં પથ્થરમારો થયો હતો જેમાં એક પોલીસકર્મીને માથાંના ભાગે વાગતાં લોહીલુહાણ થયો હતો. પથ્થરમારામાં અન્ય કર્મીઓને પણ ઈજાઓ થઈ છે. દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસ વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે નિષ્ફળ રહી હતી. પંરતુ આજે સાઇકલ રેલી યોજી કોંગ્રેસના ધારાસભ્યોએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ સફળ કાર્યક્રમ યોજી સરકાર પર ચાબખા વરસાવ્યા હતા અને મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવવધારા અને ખેડૂતોની દેવામાફી સહિતના પ્રશ્ને તાત્કાલિક જાહેરહિતમાં યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી હતી.