Main Menu

મામલાને યોગ્ય રીતે હાથ ન ધરવા બદલ નારાજ

ગુજરાત હિજરત : મોદી-શાહે અંતે રૂપાણીને ફટકાર લગાવી

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અને હિજરતના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ ખુબ ગંભીર દેખાઇ રહ્યા છે. મોદી અને શાહે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરીને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલને ફટકાર લગાવી છે. માસુમ બાળકી પર રેપના મામલા બાદ ઉત્તર ભારતીયો અને ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો પર હુમલાના મામલાને યોગ્ય રીતે હાથ નહીં ધરવા બદલ બંને નેતા રૂપાથી નાખુશ દેખાઇ રહ્યા હોવાના હેવાલ મળ્યા છે.નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગુજરાતના હોવાના કારણે પ્રતિષ્ઠાને વધારે ફટકો પડ્યો છે. સાબરકાઠા જિલ્લામાં ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ૧૪ મહિનાની બાળકી પર રેપની ઘટના બાદ ઉત્તર ભારતીયો પર હુમલાની શરૂઆત થઇ હતી. ગઇકાલે સોમવારના દિવસે ગંભીર બનેલી સ્થતિ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાતચીત કરી હતી અને આ સંદર્ભમાં નક્કર પગલા લેવા વાત કરી હતી. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાફ શબ્દોમાં કહ્યું હતુ કે ઉત્તર ભારતીય લોકોની સુરક્ષાની જવાબદારી તેમની સરકારની બને છે. ઉત્તર ભારતીયોને પુરતી સુરક્ષા આપવામાં આવશે. આ સંદર્ભમાં કોઇપણ બાંધછોડ કરવામાં આવશે નહીં. ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલા વચ્ચે વતન પરત ફરી રહેલા લોકોના સંદર્ભમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. ગુજરાત સરકારે ખાતરી આપતા કહ્યુ છે કે હુમલાના બનાવના મામલે રાજ્યના ડીજીપી પોતે સ્થતિ પર નજર રાખી રહ્યા છે. હાલમાં હુમલાના પરિણામ સ્વરુપે ગુજરાતના છ જિલ્લાઓને અસર થઇ છે. આ છ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો વતન પરત ફરી ચુક્યા છે. બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો મોટી સંખ્યામાં રાજ્યમાં કામ કરે છે. આ લોકોમાં હાલમાં દહેશત ફેલાયેલી છે. બીજી બાજુ ગુજરાતના બહારના લોકો ઉપર હિંસાના મામલામાં છ જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે જે પૈકી મહેસાણા અને સાબરકાંઠા સૌથી વધુ અસરગ્રસ્ત છે.રાજ્યના ડીજીપીના કહેવા મુજબ આ બંને જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં રવિયા પણ ધરપકડનો દોર ચાલી રહ્યો છે.