Main Menu

કોંગ્રેસના પરેશ ધાનાણીના સરકાર પર વળતા પ્રહાર

સરકાર નિષ્ફળતા છુપાવવા પ્રાંતવાદનું રાજકારણ રમે છે.

રાજ્યમાં ચાલી રહેલા પરપ્રાંતિય પલાયનના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને યુપી અને બિહારના લોકો ગુજરાતમાંથી પલાયન થઇ રહ્યા છે. આ મુદ્દે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, જાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતની સરહદો જોડનાર ગાંધી અને સરદારના ગૌરવવંતા ગુજરાતમાં દૂધમાં સાકર ભળે એમ સમગ્ર દેશના વિવિધ રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વિગેરેમાંથી લોકો આજે વસી રહ્‌યા છે. ગુજરાતના વેપાર, ઉદ્યોગ વગેરેને બળ પૂરું પાડનાર પરપ્રાંતીયો આજે બેરોજગારીના કારણે રાજ્યમાંથી પલાયન થઈ રહયા છે. ત્યારે તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર રાજ્યના વિવિધ વર્ણ અને વર્ગના અસંતોષને ખાળવામાં નિષ્ફળ નીવડી છે. પરપ્રાંતીઓને રોજગાર આપવામાં પણ ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, જેના પરિણામે સરકારના મળતિયાઓ મારફત પ્રાંતવાદનું ઝેર ઘોળીને વર્ગવિગ્રહના ષડ્‌યંત્રથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ગુજરાતીઓ ઉપર જીવનું જોખમ ઉભું કર્યું છે. જાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતની સરહદો જોડનાર ગાંધી અને સરદારના ગૌરવવંતા ગુજરાતમાં આપણે સહુએ શાંતિ અને સંયમ જાળવવો જાઇએ તેવો અનુરોધ પણ ધાનાણીએ કર્યાે હતો. વિપક્ષના નેતા ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકારે રાજ્ય અને રાષ્ટ્રના યુવાનોની ઈચ્છાને અવગણીને મુઠ્ઠીભર માણસોના ખિસ્સા ભરવા માટે શાસનના દરવાજા સરકારી તિજોરીના દરવાજા ખુલ્લા મૂક્યા. આવી સરકારને ટકાવવા-બચાવવા માટે ચૂંટણી પહેલા, ચૂંટણી સમયે અને ચૂંટણી પછી ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સાથે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતાઓએ વારંવાર સંવાદ સ્થાપી ભાજપમાં જોડવા માટે નિષ્ફળ પ્રયાસ કર્યો. કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ એવા અલ્પેશ ઠાકોરને આજદિન સુધી ક્યાંક લાલચના દાણા ફેંક્યા, પછી એને ડરાવવામાં આવ્યા, પછી એને સત્તાના બળે ધમકાવવામાં આવ્યા, એમ છતાં જાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતના સીમાડાઓને તોડનારી એક વિચારધારાના સિપાઈ તરીકે અલ્પેશ ઠાકોરે ગત અઠવાડિયે એ કોંગ્રેસમાં હતા, છે અને રહેવાના છે એવી જાહેરાત કરતાં અલ્પેશ ઠાકોર નામની દ્રાક્ષ આજે ખાટી લાગવા માંડી છે. ઠાકોર સેનામાં ભાજપના મળતિયાઓ મારફત ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળીને ચૂંટાયેલા જનપ્રતિનિધિને તોડવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. ગુજરાતની આબરૂને કલંક લગાડવાનું કામ સત્તામાં બેઠેલા લોકોએ કર્યું હોવાનો આક્ષેપ પણ ધાનાણીએ કર્યો હતો.