Main Menu

પાલિતાણા શેત્રુંજ્યની છ ગાઉની યાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ

વહેલી સવારથી જ ભાવિકોએ જય આદિનાથના નાદ સાથે યાત્રાનો કરી દીધેલો પ્રારંભ

સિધ્ધવડ ખાતે 96થી વધુ પાલમાં યાત્રિકોની સેવા

જૈન તિર્થધામ પાલીતાણામાં શેત્રુંજય મહાતિર્થની યાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને ફાગણ સુદ 13 ના દિવસે શેત્રુંજય મહાતિર્થની યાત્રા મોક્ષ આપનારી મનાય છે ત્યારે આજે જૈન સમાજના અબાલ વૃધ્ધ, યુવાનો અને બાળકો સહિતનાએ ભાવભેર છ ગાઉની યાત્રા કરી રહ્યા છે. યાત્રીકો માટે પરંપરાગત રીતે પાલભકિતની વ્યવસ્થા રહી હતી જેમાં 96 થી વધુ પાલ ઉભા કરાયા છે તો વિવિધ ભાવિકો દ્વારા યાત્રિકોનું સિધ્ધવડ ખાતે સંઘપૂજન પણ થઇ રહ્યું છે. ફાગણ સુદ 13ના દિવસે પાલિતાણામાં યાત્રિકોનો મેળો જામે છે અને જેને ઢેબરીયા મેળા તરીકે પણ આેળખવામાં આવે છે. આ દિવસે શેત્રુંજ્ય ગિરીવરની છ ગાઉની યાત્રા કરીને પૂÎયનું ભાથુ બાંધવા ભાવિકો ઉમટી પડતા હોય છે. આજે પણ આ યાત્રા હોય તિર્થધામ પાલીતાણામાં ગઇકાલથી જ ભાવિકોનો મહેરામણ ઉમટી પડયો  હતો. રાત્રે 12 વાગ્યાથી જ જય તળેટી ખાતે ભાવિકોની ભીડ જામવા લાગી હતી. આખરે રાત્રે બે-અઢી વાગ્યાના સુમારે યાત્રીકો માટે રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે રામપોળના દરવાજા નિયત સમયે ખોલવામાં આવ્યા હતા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા વ્યવસ્થાઆે જળવાઇ હતી. જયારે ભાવનગરથી પ્રાર્થના જૈન યુવક મંડળના સ્વયં સેવકો પણ ખાસ યાત્રીકોની વ્યવસ્થા માટે તહેનાત જોવા મળ્યા હતા. રાત્રે અઢી વાગ્યાથી  જ જય જય આદિનાથના જય ઘોષ સાથે ભાવિકોએ ડુંગર ચડવાનુ શરૂ કરી દીધુ હતુ. યાત્રિકોમાં જૈન ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ જોડાતા હોય છે અને આજના દિવસે પોણો લાખથી વધુ લોકો યાત્ર કરે તેવી ધારણા છે. પોલીસે પાલિતાણા અને યાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે તો એસટી તંત્ર દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. આ અહેવાલ તૈયાર થઇ રહ્યાે છે ત્યાં સુધીમાં કોઇ અનીચ્છનીય બનાવ બન્યાે નથી.