Main Menu

મહુવા શહેર નજીકના તલગાજરડા ગામ ખાતે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહેલા પ્રાથમિક શિક્ષકો માંથી ૧૧ પ્રતિભાવંત પ્રા. શિક્ષકોને પૂજ્ય મોરારીબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યા

સૌરાષ્ટ્રના મહુવા શહેર નજીકના તલગાજરડા ગામ ખાતે  ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહેલા પ્રાથમિક શિક્ષકો માંથી ૧૧ પ્રતિભાવંત પ્રા. શિક્ષકો
બહેનો-ભાઈઓને પૂજ્ય મોરારીબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ પારિતોષિક વડે નવાજવામાં આવ્યા હતા.  શાલ, પ્રશસ્તિપત્ર, સૂત્રમાલા અને પચીશહજાર રૂપિયાની રાશિ વડે આજે તલગાજરડાની પ્રાથમિક શાળામાં મહુવા તાલુકાનાં શૈક્ષણિક અધિવેશન વેળાએ પૂ.મોરારીબાપુએ સર્વશ્રી અશોકભાઇ ક. પટેલ (મોટા પોંઢા આદર્શ શાળા, તા. કપરાડા , જી. વલસાડ), રમેશકુમાર દે. પંડ્યા (નાયકા ફળિયા સોટા સોનેલા પ્રા.શાળા, તા.લુણાવાડા, જી.મહીસાગર),  નિલેશકુમાર ર.સોલંકી (ટીંબાપુરા પ્રા.શાળા, તા. નડિયાદ, જી.ખેડા),  સતીષકુમાર પું. પ્રજાપતિ (બાકરોલ કે.વ.શાળા, તા.કાલોલ, જી. પંચમહાલ) દયાબેન સ. સોજીત્રા (અમરાપુર પ્રા.શાળા., તા.કુકવાવ, જી.અમરેલી) પ્રતાપસિંહ મો. રાઠોડ  (ઝાંખરીયા પ્રા.શાળા, તા. બાયડ, જી. અરવલ્લી) ડૉ. ધ્રુવગિરી ગોસ્વામી (વાંકાનેર, જી.મોરબી), મનસુખભાઇ સરવૈયા (ગોવિંદપરા, પ્રા.શાળા, તા.વિસાવદર, જી.જુનાગઢ),  જગતસિંહ ર. યાદવ (ઝઘડીયા, જી.ભરુચ), વિજયસિંહ રા. ગોલેતર (ભંડારિયા પ્રા.શાળા, તા. ગઢડા, જી. બોટાદ), નિકેતાબેન શ. વ્યાસ (નગર પ્રાથમિક વેજલપુર પબ્લિક  સ્કૂલ-વેજલપુર-અમદાવાદ)ને સને ૨૦૧૮ના એવોર્ડથી સન્માનીત કર્યા હતા. આ વેળાએ મહુવા તાલુકાનાં વય નિવૃત થતાં ૧૦ જેટલા પ્રા.શિક્ષકોને પણ વિદાય સન્માન  આપવામાં આવ્યું હતું.

એવોર્ડ અર્પણ કરતાં પૂ.મોરારીબાપુએ આજના દીવસને મંગલ ઉત્સવ ગણાવ્યો હતો. મહિમાવંત પાંચ વસ્તુઓ-તત્વોની વાત કરતાં બાપુએ પ્રા.શિક્ષકો માટે પાંચ
તત્વો ક્યાં છે ? તેની સમજ સાથે કહ્યું કે, આ પાંચ તત્વો આપણે વિચાર કરીએ તો આપણે આપણાં વિધ્યાક્ષેત્રને વધુ પ્રકાશિત કરી શકીએ. પ્રાથમિક શિક્ષકો માટે પાંચ તત્વો
વર્ણવતા બાપુએ સેવા, સ્વાશ્રયી, સાદગી, સ્વાભિમાન અને સ્મરણ-શીલનો મહિમા કરતાં ઉમેર્યું હતુ કે,આ ધંધો નથી, ઉતમ એવા જે સેવાએ અમુલ્ય હોય છે. આપણું કાર્ય એ સેવા છે. સ્વાશ્રયી તત્વ વિષે કહ્યું કે શિક્ષક મારી દ્રષ્ટિએ સ્વાશ્રયી
હોવા જોઈએ. શિક્ષક સ્વાશ્રયી રહે… શિક્ષક સાદગીથી જીવતો હોવો જોઈએ, સાદગીનું પ્રથમ લક્ષણ ખાદી હોવું જોઈએ. ખાદીએ સાદગીનું પહેલું લક્ષણ છે, શિક્ષક સ્વાભિમાની
હોવો જોઈએ, અભિમાની નહી, અને શિક્ષક સ્મરણશીલ હોવો જોઈએ અને સ્મરણ હોવું જોઈએ. આવા શિક્ષકોની ઈર્ષા દેવતાઓને પણ થાય. શિક્ષક મૌન હોય ત્યારે મુનિ
અને બોલે ત્યારે ઋષી હોય છે. આપણે આ પાંચ “સ” નું સેવન કરીએ… આ પાંચ તત્વોનું આપણે નિર્માણ કરીયે.

રાજ્યના બે લાખ કરતાં વધારે પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવવંતા આ સમારંભમાં ઉપસ્થિત પૂ. સિતારામબાપુએ સંબોધનમાં જણાવ્યુ હતું કે, કેળવણીએ સર્વે કળાઓની કલગી છે, કેળવણીની મેળવણી
શિક્ષક જ કરી શકે! શિક્ષણએ વાવેતરની પ્રક્રિયા છે. માનવતાના વિચારોનું બીજ શિક્ષકો વાવે છે. શાસ્ત્રોકૃત પંચામૃતની સદષ્ટાંત વાત કરીને તેઓએ વિધ્યાર્થી, શિક્ષક, વાલી,
આચાર્ય અને પ્રબંધક પાંચ તત્વોની સમજ આપી હતી. આ વેળાએ રાજ્ય પ્રા,શિક્ષકના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ગુજરાત પ્રાથમિક શિક્ષક ક્ષેત્રે કાર્યરત શિક્ષકોમાંથી
ચિત્રકૂટ એવોર્ડ માટે શ્રેષ્ઠ શિક્ષક પસંદગીના કપરા કામ અંગે અને શિક્ષક પસંદગીના પારદર્શક માળખા અંગે વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે દર વર્ષે અમને આ કઠિન કાર્ય
કરવાની શક્તિ અમોને અહીંથી બાપુના આશીર્વાદ સાથે મળે છે, રાજ્યના શિક્ષકોના મુખ્ય પડતર પ્રશ્ને વિષે થયેલી રજૂઆત વિષે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગમાં રાજ્ય
સંધના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પ્રા.શિક્ષક સંધના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા, રાજ્ય સંધના મહામંત્રી સતિષભાઇ પટેલે પણ પ્રસંગોચિત ઉદબોધન
કર્યું હતું. કાર્યક્રમનું રસપ્રદ સંચાલન ભરતભાઇ પંડ્યા બગદાણાએ સંભાળ્યું હતું. સ્વાગત પ્રવચન ગણપંતભાઈ પરમારે અને આભાર વિધિ મનુભાઈ શિયાળે કરી હતી.