Main Menu

રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ

રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો જામવંત યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.