fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

રામપરા- રાજુલાની રામકથાને રદ્દ જાહેર કરતા મોરારિબાપુ

તારીખ ૧૪/૦૩/૨૦૨૦ થી ૨૨/૦૩/૨૦૨૦ દરમ્યાન રાજુલા નજીકના રામપરા ખાતે પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન થયું હતું. કથાનો પ્રારંભ સ્થાનિક પ્રશાશનની મંજૂરી મેળવ્યા બાદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે દરમ્યાન કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ સર્જાતાં લોક આરોગ્યની કાળજીના ભાગ રૂપે ત્રણ દિવસોની રામકથા પૂર્ણ થયા બાદ પૂજ્ય બાપુએ એ રામકથાને પંદર દિવસો માટે સ્થગિત કરી હતી. એ વખતે સરકારીતંત્રની અપીલ, લોક આરોગ્ય, લોક સુખાકારીની કાળજીના ભાગરૂપે તેમજ પૂજ્ય બાપુની તકેદારીને ધ્યાનમાં રાખી ૧ એપ્રિલથી તે કથાને આગળ લઈ જવા નક્કી થયું હતું. પરંતુ આપણે જાણીએ છીએ તેમ એ પછીથી આ મહામારીએ વૈશ્વિક રૂપ ધારણ કર્યું છે.

ગઈકાલે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ૨૧ દિવસોનો રાષ્ટ્રીય લોકઆઉટ પણ જાહેર કરેલ છે. સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને લક્ષમાં લેતા પૂજ્ય મોરારીબાપુએ રાજુલા નજીકના રામપરાની આ રામકથાને રદ્દ કરવાની જાહેરાત કરી છે. ભવિષ્યમાં કોરોનાને લઈને જયારે સમગ્ર દેશની સ્થિતિ પુનઃ સામાન્ય બનશે ત્યારે અનુકૂળતા અનુસાર એ રામકથાને પુનઃ યોજવામાં આવશે તેમ એમણે એક નિવેદનમાં જણાવ્યું છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે યોજાનારા શ્રી. હનુમાનજયંતીના કાર્યક્રમો અને મસુરી તેમજ પુના નજીકનાં દેહુ ખાતે યોજાનારી રામકથાને પણ રદ્દ કરવામાં આવેલ છે. આ તકે એમણે લોકોને પ્રશાશન દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું આત્મ સંયમ સાથે પાલન કરવા પણ અપીલ કરી છે. આગામી કથાઓની વધુ વિગતો ઓફિસિઅલ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

Related posts

કુંકાવાવ ગ્રામ્ય પંથકના ગ્રામીણ વિસ્તારમાં શરૂ થયો વરસાદ

City Watch News

અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

City Watch News

સરંભડા, નાના માંડવડા ગામની શેત્રુજી નદીમા ખનીજ ચોરી કરતા ચાર ઇસમો ને રૂ.૮,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે ખનીજ માફીયાઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

City Watch News