www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સ્વચ્‍છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે ચલાલા ખાતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહનો પ્રારંભ

સ્વચ્‍છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહનો પ્રારંભ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા.૫ જુન-૨૦૧૮ના રોજથી કરવામાં આવ્‍યો છે. રાજયના તમામ શહેરી વિસ્‍તારોને સ્‍વચ્‍છ કરવાના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનને લીધે અનેક ફાયદાઓ થવાના છે. સ્‍વચ્‍છતાનો અભિગમ અપનાવવાથી આરોગ્ય અને જીવનશૈલીમાં પરિવર્તન આવી શકે છે.
પર્યાવરણ જાળવણીની જવાબદારી પણ આપણા સર્વ નાગરિકોની છે. સ્‍વચ્‍છતા જાળવવાથી અને ગંદકી નિર્મૂલનથી પર્યાવરણ પર પણ સારી અસરો થવાની છે અને પર્યાવરણ પર થનારી સારી અસરો સમગ્ર જીવસૃષ્‍ટિ માટે ખૂબ ફાયદાકારક બાબત છે. રાજય સરકારે પર્યાવરણ જાળવણી અને નાગરિકોની જીવનશૈલી વધુ આરોગ્યપ્રદ બને તે ઉદ્દેશ્યથી પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધર્યુ છે. અમરેલી જિલ્‍લાના ધારી તાલુકાના ચલાલા ખાતે આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. તા.૫ જુન-૨૦૧૮ના રોજ ચલાલા નગરપાલિકા દ્વારા શહેરના તમામ એન્‍ટ્રી પોઇન્‍ટની સફાઇ
કરવામાં આવી હતી. સફાઇ કામદારો, સ્‍વૈચ્છિક સંસ્થાઓ, અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતનાઓએ જોડાઇને વેસ્‍ટ પ્‍લાસ્‍ટિક, બોટલ, પોલીથીન બેગ, પાઉચ, પ્લાસ્‍ટિક રેપર સહિતના ઘનકચરાઓને ઉપાડી સામૂહિક સફાઇ હાથ ધરી હતી. સફાઇ દરમિયાન ૧૩૫ કિગ્રા પ્‍લાસ્‍ટિક કચરા સહિત ૧ ટન ઘનકચરાનો નિકાલ કર્યો હતો. તા.૬ જુન-૨૦૧૮ના રોજ ચલાલા શહેરના જાહેર સ્‍થળોની સફાઇ કરવામાં આવી હતી. જેમાં સફાઇ કામદારો, સ્‍વૈચ્છિક સંસ્થાઓ, અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ એન.એસ.એસ. અને એન.સી.સી.
કેડેટ્સ પણ જોડાયા હતા. સફાઇ અભિયાનમાં વેસ્‍ટ પ્‍લાસ્‍ટિક, બોટલ, પોલીથીન બેગ, પાઉચ, પ્લાસ્‍ટિક રેપર સહિતના ઘનકચરાને ઉપાડી સામૂહિક સફાઇ હાથ ધરી હતી. સફાઇ દરમિયાન ૧૦૦ કિગ્રા પ્‍લાસ્‍ટિક કચરા સહિત ૦.૮૦ ટન ઘનકચરાનો નિકાલ કર્યો હતો. આ કામગીરીમાં જે.સી.બી. લોડર, ટ્રેકટર, ટ્રેલર સહિતના સફાઇના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારી-કર્મચારીશ્રીઓ, સેવાભાવી સંસ્‍થાઓ, સીનીયર સીટીઝન ગ્રુપ, ધાર્મિક સંસ્‍થાઓ, અગ્રણીશ્રીઓ, સહિતના નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ લોકોને સ્‍વચ્‍છતા માટેની પ્રતિજ્ઞા લીધી હતી, તેમ ચીફ ઓફિસરશ્રી પ્રશાંત ભીંડીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.