www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ઈલેકશન 2019/ અમરેલી લોકસભામાં 7 વિધાનસભામાંથી માત્ર 2 ભાજપ પાસે ત્યારે આ લોકસભામાં ભાજપ માટે કપરા ચઢાણ…?

ગુજરાતની અમરેલી લોકસભા બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર ભાજપે 1991થી કબ્જો કર્યો છે, 2004માં કોંગ્રેસના વીરજી ઠુમ્મરે આ બેઠક જીતી હતી, ત્યાર પછી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણભાઈ કાછડિયા જીતતા આવ્યા છે. પાટીદારો અને કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી સંભાવના છે. ભાજપને બેઠક જાળવવા સંઘર્ષ કરવો પડશે, જ્યારે કોંગ્રેસ બેઠક પાછી મેળવવા માટે મહેનત કરશે.
1962થી 1984 સુધી કોંગ્રેસ પક્ષ આ બેઠક સતત જીતતો આવ્યો છે. 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક પર વિજય મેળવ્યો હતો.
ત્યાર બાદ 1991માં ભાજપના દિલીપ સંઘાણીએ આ બેઠક કબ્જે કરી અને 1999 સુધી સળંગ ચાર ટર્મ સુધી તેઓ આ લોકસભા બેઠક જીત્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં દિલીપ સંઘાણી કોગ્રેસના વીરજી ઠુમ્મરે પરાજય આપ્યો હતો. ત્યાર બાદ છેલ્લી બે ટર્મ એટલે કે 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ફરીથી કબ્જે કરી લીધી. વર્તમાનમાં અહીં નારણભાઈ કાછડિયા સાંસદ છે.

અમરેલી લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ
અમરેલી લોકસભા બેઠકમાં ગુજરાતની 7 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર વિધાનસભા બેઠક અમરેલી લોકસભામાં આવે છે. આ બેઠકો પર પાટીદાર અને કોળી સમાજનું સૌથી વધુ પ્રભુત્વ છે. ગયા વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અમરેલી લોકસભાની 7માંથી 5 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 2 બેઠક પર જ વિજય મેળવ્યો હતો. અમરેલી લોકસભાની ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા બેઠક પર કોંગ્રેસે કબ્જો કર્યો હતો, જ્યારે ભાજપને મહુવા અને ગારિયાધારમાં વિજય મળ્યો હતો.