www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

પીપાવાવ પોર્ટ પર 28 કરોડનો માલ સીઝ

પીપાવાવ પોર્ટ પરથી લો વેલ્યૂઝ(ઓછી કિંમતનો) માલ હાઇ વેલ્યૂનો બતાવી દુબઇ એક્સપોર્ટ કરી કરોડો રૂપિયાનું આઇજીએસટી(ઇન્ટિગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) રિફંડ ચાંઉ કરી જવાના કૌભાંડનો જામનગર કસ્ટમ ડિપાર્ટમેન્ટની પ્રિવેન્ટિવ વિંગે પર્દાફાશ કરી મસમોટું કૌભાંડ આકાર લ્યે તે પહેલા ઝડપી લીધું હતું અને રૂ.27 કરોડનો માલ સીઝ કરી એક શખ્સની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં મુંબઇ, દિલ્હી, જામનગર સહિત અનેક શહેરોના શખ્સોની સંડોવણી પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. જામનગર કસ્ટમ ડિપાર્ટમેન્ટે મુંબઇ ખાતે રહેતા ફોરવર્ડિંગ એજન્ટ યોગેશ કે. ગોરડિયા નામના શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરાયો છે. જામનગર કસ્ટમ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યા અનુસાર પીપાવાવ પોર્ટ પરથી ઓછી કિંમતના વોલ પેપરની ખૂબ જ ઊંચી કિંમત બતાવી દુબઇ એક્સપોર્ટ કરી કરોડો રૂપિયાનું આઇજીએસટી રિફંડ ચાંઉ કરી જવાનું કૌભાંડ અમુક શખ્સો આકાર લઇ રહ્યાની ગત 30મી મેના રોજ બાતમી મળી હતી. જેના અનુસંધાને કમિશનરની સૂચનાના પગલે ગત 31મી મેના રોજ જામનગર કસ્ટમના ડેપ્યુટી કમિશનર રાહુલ ટી.પરમાર, સુપરિન્ટેન્ડન્ટ પ્રદીપસિંહ ઝાલા સહિતના સ્ટાફે પીપાવાવ પોર્ટ પર દરોડો પાડ્યો હતો અને દિલ્હીની ત્રણ એક્સપોર્ટર પેઢી મેસર્સ વિકી સેલ્સ, જગદંબે એક્સપોર્ટ અને રાણા એક્સપોર્ટ દ્વારા દુબઇ મોકલવા માટે મોકલેલા 21 શિપિંગ ચેક કરતા તેમાં વોલ પેપર નીકળ્યા હતા. તેનું એકઝામિનેશન કરતા તેની વેલ્યૂ ઓછી હોવા છતાં ખૂબ જ ઊંચી દેખાડવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. આથી તેના ફોરવર્ડિંગ એજન્ટ યોગેશ કે. ગોરડિયાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તે પોપટની જેમ બધુ બોલી ગયો હતો. કસ્ટમ ડિપાર્ટમેન્ટની પૂછપરછમાં યોગેશ ગોરડિયાએ એવી કબૂલાત કરી હતી કે, પીપાવાવ પોર્ટ પરથી કુલ 33 શિપિંગ દુબઇ મોકલવાના હતા. જેમાંથી 13 શિપિંગ દુબઇ જવા રવાના કરી દેવાયા હતા અને 8 શિપિંગ બિલનો માલ પોર્ટ પર હતો તેમજ 12 શિપિંગ બિલનો માલ ગોડાઉનમાં હતો. આથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે પોર્ટ પર રહેલો 8 શિપિંગ બિલનો માલ અને ગોડાઉનમાં રહેલો 12 શિપિંગ બિલનો માલ મળી કુલ રૂ.28 કરોડનો માલ સીઝ કરી દીધો હતો. કૌભાંડીઓનો 33 શિપિંગ બિલમાં કુલ રૂ.40.22 કરોડનો માલ દુબઇ એક્સપોર્ટ કરી પર કુલ રૂ.7.24 કરોડ આઇજીએસટી રિફંડ મેળવી લઇ તે ખાતામાં જમા થાય એટલે બેન્ક એકાઉન્ટ ક્લોઝ કરી દેવાનો આઇડિયા હતો. આ આખી ચેનલમાં મુંબઇ, દિલ્હી સહિતના શહેરોના શખ્સોની સંડોવણી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે મૂળ રાજુલાના વતની અને હાલમાં મુંબઇ ખાતે ફોરવર્ડિંગ એજન્ટ તરીકે કામ કરતા યોગેશ ગોરડિયાને અદાલતમાં રજૂ કરતા તેને જેલહવાલે કરાયો છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે રૂ. 28 કરોડનો માલ સીઝ કરી તેની રિયલ વેલ્યૂ કેટલી છે તેની ચકાસણી માટે વેલ્યૂઅરને કામગીરી સોંપવા તજવીજ હાથ ધરી છે.