www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

અધ્યાત્મ અને કાનૂનનો અજાયબ સમન્વય થયો છે તેવા સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રીશ્રી નો આજે ૮૮મો જન્મદિવસ.

શ્રી જશવંતરાય કાનાબાર આજે ૮૭ વર્ષની વયે તરોતાજા જિંદગીના ખુશનુમા આયુષ્યને નિત્ય નૂતન પ્રભાતે એવી રીતે માણી રહ્યા છે જાણે કે એક શિશુનો ઉમંગ ! તેમને જિંદગીનો થાક લાગતો નથી. ને જિંદગીને પણ તેમનો થાક લાગ્યો નથી. તેમના સાંનિધ્યમાં હળવાશનો અનુભવ સહુને થાય. બ્રિટિશ ઈંગ્લિશની પરંપરાના બંધારણીય વિદ્વાન છતાં કદી તેમણે આત્મગર્જના કરી નથી. એ વિવેક તેઓ યૌવન વયે પાંડુરંગ શાસ્ત્રીની “દાદા” ગીરીમાંથી લઈ આવ્યા છે. આપણા અમરેલીમાં દાદા જ્યારે પણ મુંબઈથી આવે કે રાજુલાથી આવે તો સીધા જ જશવંતરાય પાસે આવે. એમનું આતિથ્ય શબરી પરંપરાનું. પાંડુરંગ દાદાને પોતાના ભક્તો નહીં પરંતુ ઉપનિષદોના અભ્યાસી ચાહકો અતિપ્રિય હતા. જશુબાપા એમના અંતેવાસી કક્ષાના મિત્ર હતા. અમરેલી માટે તેઓ એક માઇલસ્ટોન છે. વકીલાત અને અધ્યાત્મ જેવા સામસામા છેડાના બે ધ્રુવનો તેઓનામાં સમન્વય રચાયો છે સાહિત્ય વાંચન અને લેખન તેમના વ્યક્તિત્વનું બીજું પાસું છે. તેમના અનેક લેખો “અખંડ આનંદ” “નવનીત”  જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થઇ ચુક્યા છે. બોમ્બે યુનિવર્સીટીમાં એલ.એલ.બી. સાથે તેઓએ એમ.એ. વિથ સંસ્કૃત અને ફિલોસોફી કરેલ હોવાથી, વેદાંત અને આપણા અધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા સબંધી તેમના ૨ પુસ્તકો પણ પ્રસિધ્ધ થયા છે. જે પૈકી  “ઉર્ધ્વ યાત્રા” ને તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્દવારા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તેમના સૌથી મોટા પુત્ર ડો. ભરતભાઈ કાનાબાર વ્યવસાયે ડોક્ટર – જનરલ સર્જનની સાથે સાથે અમરેલીના જાહેર જીવનમાં સક્રિય છે. નાના પુત્ર પ્રકાશભાઈ કાનાબાર, અમદાવાદ ખાતે હાઇકોર્ટમાં એડવોકેટ છે. જસવંતરાય કાનાબારને તેમના ૮૮માં જન્મદિને દીર્ઘ અને વિચાર વૈભવયુક્ત આયુષ્યની શુભકામનાઓ.