www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જીલ્લા પંચાયતનુ બજેટ સર્વાનુમતે મંજૂરઃ સભ્યો દ્વારા શહિદ જવાનોના પરિવારને આર્થિક સહાય

જીલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૯-૨૦૧૦નું અંદાજીત બજેટ ૧૨૪૨,૬૭,૦૧,૦૧૭નું વાર્ષિક બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ. પ્રારંભે દેશના વિરશહિદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી અને ભારત દેશ દ્વારા આંતકવાદીઓ સામે લેવામાં આવેલા પગલાઓને બીરદાવવામાં આવ્યા હતા. તેમજ જીલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ સદસ્યોએ આ વખતનું ભથ્થાની રકમ વિરશહિદ જવાનોના પરિવારોની આર્થિક સહાયમાં આપવાનો નિર્ણય કર્યો હતો. જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના આગેવાન સંજયસિંહ સરવૈયાએ જણાવ્યુ હતું કે આ બજેટ ખેડુતો વિરોધી છે ખેડુતોના લાભાર્થે કોઇ અગત્યની યોજનાઓ જાહેર કરવામાં આવી નથી. ૩ લાખની ગ્રાન્ટ તમામ સભ્યોને તેમના વિસ્તારનાં વિકાસના કામોમાં આપવામાં આવશે તે બાબતે સંજયસિંહે આવકારી હતી જયારે વિપક્ષના નેતા પદુભા ગોહિલે ખેડુતોને ટ્રેકટરની સબસીડી અપાતી નથી યેનકેન પ્રકારે નામંજુર કરવામાં આવે છે અંદાજે ૭૦૦ જેટલા ખેડુતોની ટ્રેકટરની સબસીડી નામંજુર કરવામાં આવી છે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ કરી હતી. કોંગ્રેસના બી.જે.સોસાએ એસ.સી.એસ.ટી. અને બક્ષીપંચના વિકાસ માટેની જે ગ્રાન્ટ ફકત રૂ.૪ લાખ ફાળવવામાં આવી છે તે ઘણી ઓછી છે ૧૦ લાખની વસ્તી વચ્ચે ચાર લાખની ગ્રાન્ટ નહીવત હોય તેમ જણાવી તેમણે વિરોધ કર્યો હતો. સામે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ બી.કે.ગોહિલે જણાવ્યુ કે દર વર્ષે રૂ.૪ લાખની જોગવાઇ કરવામાં આવે છે છતા પણ સભ્યશ્રીને માંગ છે તો આવનાર રીવાઇઝડ બજેટમાં તેમાં વધારો કરાશે તેવી ખાત્રી આપી હતી. બેઠકમાં ઉપપ્રમુખ બી.કે.ગોહિલે બજેટ રજુ કર્યુ હતું બેઠકમાં ધારાસભ્ય આર.સી.મકવાણા,ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, જીલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, ઉપપ્રમુખ બી.કે.ગોહિલ, કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઇ હઠીયા સહિતના તમામ વિભાગના ચેરમેન તેમજ વિપક્ષના નેતા પદુભા ગોહિલ, સંજયસિંહ સરવૈયા, ગોવિંદભાઇ મોરડીયા, મહેશભાઇ કાકડીયા તેમજ ભાવનગર જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.