www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લેતા કૃષિમંત્રી આર. સી. ફળદુ

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજ રોજ મોડી સાંજથી જ વાવાઝોડાની અસર ચાલુ થઈ જવાની હતી.
જેના અનુસંધાને કૃષિમંત્રીશ્રી આર. સી. ફળદુએ આજે રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના
ગામોની મુલાકાત લીધી હતી.
જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા વાયુ વાવાઝોડાની સંભાવનાને કારણે જાફરાબાદ તાલુકાના ૧૭ અને
રાજુલા તાલુકાના ૧૮ ગામોમાંથી ૨૦૮૮૯ લોકોનું ૫૪૧ આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે.
કૃષિમંત્રીશ્રીએ જાફરાબાદની હાઈસ્કૂલ તેમજ વઢેરા, બલાણા, રોહિસા અને ધારાબંદર જેવા ગામોની પ્રાથમિક
શાળાઓની મુલાકાત લઈને તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોની સાથે વાતચીત કરી હતી. આ તમામ ગામોની
પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયેલા લોકોની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કૃષિમંત્રીશ્રી ફળદુએ ગ્રામજનોને સંબોધતા કહ્યું હતું કે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વાયુ વાવાઝોડું
અત્યંત જોખમી છે. કાચા મકાનો અને ઝુંપડામાં રહેતા લોકોએ તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ. જો
વાવાઝોડાંની પરિસ્થિતિ વિકરાળ બનશે તો ગામો સંપર્કવિહોણા થઈ જતા હોય છે અને આવી સ્થિતિમાં ખૂબ જ મુશ્કેલી
પડી શકે એમ છે.
સ્થળાંતર કરાયેલા ગ્રામજનો સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાના મકાનો પાકા હોવાથી
અમને પૂરતી સલામતી અનુભવાય છે. ગઈકાલથી જ તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓએ બધા ગ્રામજનોને જરૂરી
સૂચના આપી હતી અને સલામત સ્થળે ખસેડવામાં મદદ કરી હતી. આ સ્થળે રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરતી
હોવાથી નાના ભૂલકાઓને પણ કોઈ હાલાકી પડશે નહીં.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થળાંતર કરાયેલા
લોકો માટે આરોગ્ય તેમજ અન્ય જીવન જરૂરિયાત સેવાઓ મળી રહે તે માટે તંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે. સગર્ભા
બહેનોની યોગ્ય કાળજી લેવાય તે માટે એમ્બ્યુલન્સ તેમજ પૂરતો સ્ટાફ તૈયાર રાખવામાં આવ્યો છે.
આ મુલાકાતવેળાએ પૂર્વમંત્રી શ્રી બાવકુભાઇ ઉંધાડ, પૂર્વ સંસદીય સચિવશ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી
અમરીશ ડેર, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી હિરેન હિરપરા, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી કૌશિક વેકરીયા તથા જિલ્લાના
પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.